અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. જેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન ધોરણ – 12 સાયન્સ પછી ઈજેનરી કોર્સમાં પ્રવેશ માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી 16 ઓગષ્ટ સુધી ચાલશે
પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરાશે. આ વર્ષે પીન નંબર વગર નોંધણી કરાશે. આ વર્ષે ગુજકેટ અને ધોરણ – 12 ના 50-50 ટકા વઈટેજના આધારે મેરીટ લીસ્ટ બનાવાશે. ACTEની ગાઈડલાઈન મુજબ આ વર્ષે પ્રથમ વખત બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ ઈજેનેરી કોર્સમાં પ્રવેશ અપાશે.
કોરોનાના કારણે આમ પણ એજ્યુકેશન સેક્ટરને ભારે નુક્સાન થયું છે. જો કે ઓનલાઈન ભણાવવાની સુવિધાને કારણે વિદ્યાર્થીઓને એટલી તકલીફ પડી નથી પણ જે રીતે સ્કૂલ કે કોલેજમાં વિદ્યાર્થીને ભણતર મળે એટલુ યોગ્ય ભણતર ઘરે મળી શકવાના સંભાવનાઓ ઓછી રહેલી છે.
હવે આગળના સમયમાં તે પણ જોવાનું રહેશે કે કોરોનાની ત્રીજી લહેર આવે છે કે નહી, કારણ કે સરકાર દ્વારા શાળા અને કોલેજોને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે પણ કોરોનાની ત્રીજી લહેર આવે તો ફરીવાર શાળા અને કોલેજોને બંધ રાખવાની નોબત પણ આવી શકે તેમ છે. કોરોનાકાળમાં ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જે તે કોલેજમાં પ્રવેશ મેળવવાનો હોય તેમાં પણ તકલીફ પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા આજથી સ્કૂલોમાં ધો-9થી 12નું ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર સ્કૂલોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. ધો-1થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.