Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદથી નુકશાનગ્રસ્ત રસ્તાઓને મરામત કરવાની કામગીરીનો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર ખાડાંઓ પડ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. ત્યારે વરસાદે મહદઅંશે વિરામ લેતા સરકારે રોડ-રસ્તાઓના મરામતના કામો હાથ ધર્યા છે. અને બે દિવસમાં એટલે કે 15મી સપ્ટેમ્બર સુધીમાં રોડના મરામતના કામો પૂર્ણ કરી દેવાશે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે રોડ-રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિની સંપૂર્ણપણે સત્વરે પૂર્વવત કરવા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓની સર્જાયેલી પરિસ્થિતિના સમારકામને તા. 15 મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ 1.30 લાખ કિ.મી. લંબાઇના રસ્તાઓ છે. જે પૈકી કુલ 4,172 કિ.મી. લંબાઇના રસ્તા વરસાદમાં નુકશાન પામેલા હતા. જેમાં યુધ્ધના ઘોરણે કામગીરી હાથ ધરીને કુલ 2429  કિ.મી.ના રસ્તાઓમાં મેટલ પેચવર્ક કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બાકી રહી જતા 1743  કિ.મી. રસ્તાઓના મેટલ પેચવર્કનું કામ આગામી ત્રણ દિવસમાં સત્વરે પૂર્ણ કરાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

સામાન્ય રીતે 15 ઓક્ટોબર પછી રોડ રસ્તા રીપેરીંગમાં ડામર પાથરવાની કામગીરી શરૂ કરાય છે પરંતુ આ વર્ષે યુધ્ધના ધોરણે સમગ્ર કામગીરી આરંભીને અત્યાર સુધીમાં 81 ડામર પ્લાન્ટચ કોરા વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યા છે તેમ મંત્રી એ ઉમેર્યુ હતુ.