ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ધો-3થી 8ની પ્રથમ કસોટીનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજથી સ્કૂલોમાં ધો-3થી 8ની પ્રથમ કસોટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓ ઘરેથી પેપર લખીને સ્કૂલમાં મોકલાવી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને વચ્ચે પરીક્ષાના પ્રારંભ થઈ રહ્યો હોવાથી વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. વાલીઓએ પણ તમામ વિદ્યાર્થીઓ ઘરેથી જ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. જેથી કોરોનાને પગલે ઓફલાઈન પરીક્ષામાં ખુબ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શકયતા છે. જે વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેઓના વાલીએ પેપર સ્કૂલેથી લઇને બાળક પાસે જવાબ પેપર લખાવીને સ્કૂલમાં પરત કરવાનું રહેશે.
કોરોના બાદ પહેલીવાર એક સાથે પરીક્ષા લેવાશે. આ પહેલા એકમ કસોટી વિદ્યાર્થીઓ આપી ચૂક્યાં છે. પરંતુ દરેક વિદ્યાર્થીઓ માટે એક સરખું પેપર રહેશે અને એક જ સમયે પરીક્ષા લેવાશે. જેથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકાય.