Site icon Revoi.in

ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ’ વિશે તાલીમ શિબિરનો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ ન્યાય સહાયક અને વિજ્ઞાન નિયામકની કચેરી (ડી.એફ.એસ.), ગાંધીનગર ખાતે રાજયના પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ ફોર ક્રાઇમસીન ઓફીસર’ વિષયક દ્વિ-દિવસીય તાલીમનો ગુરૂવારે પ્રારંભ કરાયો હતો. આ તાલીમમાં ફોરેન્સિક સાયન્સની તમામ શાખાઓના ઉપયોગથી ક્રાઇમ સીન મેનેજમેન્ટ એટલે કે પુરાવાની ઓળખ, પુરાવા એકત્ર કરવાની તકનિકો, જરૂરીયાતો અને દસ્તાવેજો સહિત શોધ, પુરાવાઓની સંભાળ અને જાળવણી વગેરે વિષયો પર તાલીમ અપાશે

ગાંધીનગરમાં ન્યાય સહાયક અને વિજ્ઞાન નિયામકની કચેરી (ડી.એફ.એસ.)ના ઉપક્રમે બે દિવસીય પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ ફોર ક્રાઇમસીન ઓફીસર’ વિશેની તાલીમના પ્રારંભમાં પોલીસ મહાનિદેશક  વિકાસ સહાયે જણાવ્યું હતું કે,  ડી.એફ.એસ. દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી પોલીસ તપાસની કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસમાં ડી.એફ.એસ.ની ભૂમિકા ખૂબ જ
મહત્વની છે. આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ પોલીસ તપાસની કામગીરી વધુ ઝડપી બનાવે છે અને સચોટ પુરાવા એકત્ર કરવામાં ઉપયોગી પુરવાર થાય છે. તેમજ વૈજ્ઞાનિક પધ્ધતિ- ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ  તપાસની કામગીરી તટસ્થપણે થાય છે. ઉપરાંત કોઇ ગુનેગાર નિર્દોષ છૂટી ન જાય તેમજ કોર્ટ કાર્યવાહીમાં પણ સચોટ પુરાવા રજૂ કરી શકાય તે માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી બનશે. તાલીમ લઇને જનાર પોલીસ અધિકારી પોતાના કાર્યમથક ઉપર અન્ય સહકર્મીઓને પણ આ તાલીમથી માહિતગાર કરશે.

ડી.એફ.એસ.ના નિયામક  એચ.પી.સંઘવીએ જણાવ્યું કે, કન્વીકશન રેટ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં દ્વિ  દિવસીય તાલીમનું આયોજન કરાયું છે જે આગામી સમયમાં દર મહિને બે બેચમાં કરાશે અને વધુમાં વધુ પોલીસ કર્મીઓને વિજ્ઞાન-ટેકનોલોજીથી માહિતગાર કરાશે.