નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતની ટીપ્પણીઓને અશોભનીય અને ખોટી ગણાવી છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપે મશહૂર બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી છે. તેના પછી કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના સોશયલ મીડિયા એકાઉન્ટ પરથી કંગના રનૌતને લઈને વિવાદીત પોસ્ટ કરાય. જો કે બાદમાં સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો છે કે તેમના એકાઉન્ટનો એક્સેસ ઘણાં લોકો પાસે છે. તેમાંથી કોઈએ આ પોસ્ટ કરી. તેમણે સોશયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું હતું કે મારી ફેસબુક અને ઈંસ્ટાના એકાઉન્ટ પર ઘણાં લોકોનો એક્સેસ છે. તેમાંથી કોઈ વ્યક્તિએ આજે એક બેહદ ઘૃણિત અને અપમાનજનક પોસ્ટ કરી હતી. મને જેવી આની જાણકારી મળી, મેં તે પોસ્ટ હટાવી દીધી. જે પણ મને જાણે છે, તે આ સારી રીતે જાણે છે કે હું કોઈપણ મહિલા માટે વ્યક્તિગત વાત કરતી નથી.
બીજી તરફ ભાજપના સાંસદ દિલીપ ઘોષ એક કથિત વીડિયો ક્લિપમાં મમતા બેનર્જીની પારિવારીક પૃષ્ઠભૂમિની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. તેના પછી ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. દિલીપ ઘોષે પોતાની વિવાદાસ્પદ ટીપ્પણી પર બુધવારે ખેદ પણ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતાએ કહ્યુ કે તેમની પાર્ટી અને અન્ય લોકોને તેમના શબ્દોની પસંદગી પર વાંધો છે. તેમણે કહ્યુ છે કે જો આવું છે તો મને તેના માટે ખેદ છે. પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યુ છે કે તેમની મુખ્યમંત્રી સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી.
દિલીપ ઘોષે કહ્યુ છે કે પહેલીવાર નથી કે મારા નિવેદનો પર વિવાદ ઉભો થયો છે, કારણ કે મેં બૂલ કરનારાઓના મોંઢા પર પોતાની વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે માત્ર બેનર્જીના રાજકીય નિવેદનોનો વિરોધ કર્યો હતો. જો કે દિલીપ ઘોષે એમ પણ કહ્યું કે તેમની ટીપ્પણીઓ પર મહિલા સમ્માનની વાત ઉઠી છે. પરંતુ ટીએમસીના એક નેતાએ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને તેમના પિતા શિશિર અધિકારી વિરુદ્ધ અપમાનજનક વાત કહી છે, તો શું તેમનું અપમાન નથી? ઘોષે દુર્ગાપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે શું શુભેન્દુ માત્ર એટલા માટે સમ્માનની અપેક્ષા કરી શકતા નથી, કારણ કે તેઓ પુરુષ છે? ભાજપે મેદિનીપુરથી નિવર્તમાન સાંસદ દિલીપ ઘોષને આ ચૂંટણીમાં બર્દ્ધમાન-દુર્ગાપુર સંસદીય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે.
કંગના રાનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીનો આ મામલો મહિલા પંચ સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રીય મહિલા પંચે સોમવારે ચૂંટણી પંચને પત્ર લખીને લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત પર કથિત અપમાનજનક ટીપ્પણીના મામલામાં કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત અને એચએસ અહીર વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.
રાષ્ટ્રીય મહિલા પંચે કહ્યું હતું કે પંચના અધ્યક્ષ રેખા શર્માએ ચૂંટણી પંચને પત્ર લખીને શ્રીનેત અને અહીરની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે રાષ્ટ્રીય મહિલા પંચે સુપ્રિયા શ્રીનેતના અપમાનજનક આચરણથી સ્તબ્ધ છે. સુપ્રિયા શ્રીનેત અને એચ. એસ. અહીરે સોશયલ મીડિયા પર કંગના રનૌત સંદર્ભે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણી કરી હતી. આવો વ્યવહાર અસહનીય ચે અને મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ ચૂંટણી કમિશનરને પત્ર લખીને તેમની વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આવો તમામ મહિલાઓ માટે સમ્માન અને ગરિમા જાળવી રાખીએ. મહિલાઓનું સમ્માન કરો.