અમદાવાદ: રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદના મ્યુનિ.કમિશનર વધુ સતર્ક બન્યા છે. મ્યુનિ,ના અધિકારીઓને ફાયર સિસ્ટમ કે એનઓસી ન હોય તેમજ બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડરો, મિલકતધારકો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. દરમિયાન શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વિનો ચાલી રહેલા બાંધકામોની ફરિયાદો મળતા મ્યુનિ. કમિશનર એમ થેન્નારસન દ્વારા 34 એસ્ટેટ અધિકારીઓ સામે શો-કોઝ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવા આદેશ આપ્યા છે. એએમસી કમિશનરના આકરા વલણના કારણે મ્યુનિના કર્મચારીઓમાં ફફડાટ ગયો છે. મ્યુનિના ઈતિહાસમાં પ્રથમવાર 34 અધિકારીઓને નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લીધી હતી. સુઓમોટોની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા રાજ્યના મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરો પાસે બીયુ પરવાનગી અને ફાયર એનઓસી મુદે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે વિભાગો દ્વારા સ્કૂલ, મોલ, મલ્ટીપ્લેક્ષ, ગેમઝોન, એમ્યુઝ પાર્ક સહિત મોટા એકમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ તપાસમાં શહેરમાં અનેક ગેમઝોન વગર પરવાનગીએ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે એએમસી કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ કામગીરીથી નારાજગી વ્યક્ત કરાઇ હતી.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, એએમસીની તપાસ દરમિયાન બહાર આવેલા આંકડા મુજબ 1498 એકમ તપાસ કરાયા હતા. જેમાંથી 215 એકમ પાસે ફાયર એનઓસી કે પછી બીયુ પરવાનગી ન હોવાનું સામે આવ્યુ હતું. જેથી કમિશનર અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતા. જે વોર્ડ અને ઝોનમાં આવા એકમ વગર પરવાનગીએ ચાલી રહ્યા છે. તેની જાણ અધિકારીઓ કે કર્મચારી કેમ ન હતી. તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓને શો કોઝ નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે.