Site icon Revoi.in

અમદાવાદમાં પ્લાસ્ટિકના મુદ્દે AMCના સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી સામે કમિશનરે આપ્યો ઠપકો

Social Share

અમદાવાદઃ  શહેરમાં ઓછા માઈક્રેનવાળા પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. શહેરમાં ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ સામે એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. પણ આ વિભાગની કામગીરી સામે ખૂદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનએ  સવાલ ઉઠાવ્યા છે. મ્યુનિના અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા પોતાના વિભાગની કામગીરીની રજૂઆત કરતા હતા. જેમાં મધ્ય ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડાયરેક્ટર અને તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, તમારી ટીમો ખાલી આટલું જ પ્લાસ્ટિક જપ્ત કરે છે, જ્યારે શહેરમાં આ વિસ્તારમાંથી સૌથી વધારે પ્લાસ્ટિકનો સપ્લાય થતો હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ બેઠકમાં મધ્ય ઝોન જ્યાં મહત્તમ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાબંધ વેપારીઓ આવેલા છે ત્યાં તંત્રને માંડ 8 દુકાનમાં જ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હોવાનું પ્રેઝન્ટેશન કર્યું હતુ. જેને લઈ મ્યુનિ. કમિશનર દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરી પ્રતિબંધિત પ્લાસ્ટીક બાબતે યોગ્ય કામગીરી કરવાની સૃચના આપી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકીને તેઓએ પૂછયું હતું કે, શું તમારી ટીમ દ્વારા મધ્ય ઝોનમાં યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. મધ્ય ઝોનમાં માંડ 34 કિલો જેટલો જ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો મળ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે. એએમસીની રીવ્યુ કમિટીમાં મ્યુનિ. કમિશનરે શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આજ દિન સુધી શહેરમાં પડેલા ભુવાના રીપેરીંગની કામગીરીને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભુવા રીપેરીંગની કામગીરીમાં ઝડપ લાવવા અને યુદ્ધના ધોરણે કામ કરવા માટે સૂચના આપી છે. પશ્ચિમ ઝોનમાં સુભાષબ્રિજ કલેકટર કચેરી સામે ચાલી રહેલી કામગીરીમાં ઝડપ લાવવા પણ તેમણે સૂચના આપી હતી. ગાર્ડન વિભાગની કામગીરી સામે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરતા ચોમાસા દરમિયાન જે રીતે શહેરમાં પ્લાન્ટેશન થવું જોઈએ તે કરવામાં આવ્યું નથી તેમ જણાવ્યું હતું. ગાર્ડન વિભાગના ડાયરેક્ટરને ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ જગ્યાએ પ્લાન્ટેશન કરવા માટેની પણ ટકોર કરી હતી.