અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. કોરોના ઉપરાંત શહેરમાં તાવ, શરદી, ઉધરસ, અને ઝાડા-ઊલટીનો પણ વાવર હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારણકે, કોરોનાના લીધે મોટાભાગના ખાનગી દવાખાના બંધ છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો કોવિડ જાહેર કરી હોવાથી અન્ય દર્દીઓ સારવાર લેવા માટે ડર અનુભવી રહ્યા છે.
કોરોના વાયરસની બીજી કહેર ઘાતક સાબિત થઈ છે જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોટા ભાગે કોરોનાની સારવાર જ આપવામાં આવી રહી છે. ત્યારે અન્ય બીમારી કે સામાન્ય રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને હવે ખાનગી ક્લિનિકમાં લાઈનમાં ઉભુ રહેવું પડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ખાનગી ક્લિનિકમાં અને ક્લિનિક બહાર દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે અને દર્દીએ કોરોના હોસ્પિટલની જેમ વેઈટિંગ કરવું પડી રહ્યું છે.
શહેરની મોટા ભાગની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેના કારણે હવે સામાન્ય બીમારી હોય તો લોકો ક્યાં જવું તેને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. આ સમયે ખાનગી ક્લિનિકમાં જવાનું હવે લોકોએ શરૂ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અન્ય બીમારી જેવું કે તાવ આવવો, શરદી – ઉધરસ, ઝાડા-ઊલટી જેવા રોગોમાં વધારો થયો છે જેના કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોએ જવાનું શરૂ કર્યું છે. જેથી હવે શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ હવે લાંબી લાઇન અને ભીડ જોવા મળી રહી છે.
તબીબોના કહેવા મુજબ કોરોના સિવાય પણ ઋતુઓને કારણે શરદી ઉધરસ અને સામાન્ય તાવ તથા પેટને લગતી બીમારી જેવી કે ઝાડા ઉલટીના કેસો વધ્યા છે જેને કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોનું ભરણ વધ્યું છે.જરૂરી નથી કે આ બધા લક્ષણો હોય તો કોરોના જ હોવો જોઈએ. લોકોએ આવા બીમારીથી ગભરાવું ના જોઈએ ડોકટરની સલાહ લઈને સારવાર મેળવવી જોઈએ.