નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે જેમાં ભારતના ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ સહિત કુલ 55 મેડલ જીત્યાં છે. ભારતીય ખેલાડીઓએ એક જ દિવસમાં કોમનવેલ્થ ગેમ્સમાં 5 સુવર્ણ, 4 રજત, 10 કાંસ્ય પદક સહિત 15 પદક જીત્યા હતા. આમ 19 સુવર્ણ, 15 રજત, 22 કાંસ્ય પદક સહિત કુલ 55 પદક જીતીને મેડલ ટેબલમાં ભારત ચોથા સ્થાન પર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સમાં 10મા દિવસે ભારતે બોક્સિંગમાં ત્રણ સુવર્ણ પદક જીત્યા હતા. નીતૂ ઘંઘાસ, અમિત પંઘાલ અને નિખહત ઝરીન શાનદાર પ્રદર્શન સાથે પોડિયમમાં ટોચ પર રહ્યા. મુક્કેબાજ સાગરે +92 કિલોગ્રામ વર્ગમાં રજત પદક મેળવ્યો. હોકીમાં મહિલા ટીમે કાંસ્ય પદક જીત્યો હતો. ભારતીય ટીમે કાંસ્ય પદક મેચમાં રોમાંચક શૂટઆઉટ પછી ન્યુઝીલેન્ડને હરાવી જીત મેળવી હતી. સવિતા પુનિયાએ ફરી એકવાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
એથ્લેટિક્સમાં ટ્રિપલ જંપમાં ભારતે સુવર્ણ અને રજત પદક જીત્યો હતો. એલ્ડોસ પૉલે ટ્રિપલ જંપમાં સુવર્ણ પદક તો અબ્દુલ્લા અબુ બકરે રજત પદક જીત્યો. સંદીપ કુમારે 10 હજાર મીટર રેસ વૉકમાં કાંસ્ય પદક પોતાના નામે કર્યો હતો. મહિલાઓની ભાલા ફેંક પ્રતિયોગિતામાં અન્નુ રાનીએ કાંસ્ય પદક જીત્યો હતો. ટેબલ ટેનિસમાં શ્રીજા અને શરતની જોડીએ મિક્સ્ડ ડબલ્સ વર્ગમાં સુવર્ણ પદક જીત્યો તો પુરૂષ ડબલ્સ વર્ગમાં સાથિયાન-શરતની જોડીએ રજત પદક જીત્યો હતો.
ક્રિકેટમાં મહિલા ટીમે રજત પદક જીતીને ઇતિહાસ રચ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટીમ શામેલ કરવામાં આવી હતી .ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 9 રનથી હરાવ્યું હતું. બેડમિન્ટનમાં એકલ વર્ગમાં પી વી સિંધુ અને લક્ષ્ય સેને તો પુરૂષોના યુગલ વર્ગમાં સાત્વિક-ચિરાગની જોડીએ ફાઇનલમાં સ્થાન મેળવી મેડલ નિશ્ચિત કર્યો હતો.