ભારતમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, અનેક શહેરોની સામાન્ય પ્રજા જોખમમાં
- ઓમિક્રોન બની શકે છે જોખમી
- કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું
- અનેક શહેરો પર સર્જાયું સંકટ
હેદ્રાબાદ: દેશમાં કોરોના વાઈરસના વિવિધ વેરિઅન્ટની તપાસ કરતી સરકારી સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એ જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ્યો છે. વધુમાં ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ ‘બીએ.૨’ના કેસ પણ ભારતમાં મળી આવ્યા છે, જે આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની શકે છે.
આ સંસ્થા વાઈરસ કેવી રીતે ફેલાય છે તે સમજવામાં મદદ મળી શકે તે માટે કોરોનાના વિવિધ વાઈરસની તપાસ કરે છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક શહેરો માટે આ બાબત ચિંતાજનક બની શકે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના ૨૮થી વધુ મ્યુટેશન થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટના નવા મ્યુટેશન ‘સ્ટિલ્થ ઓમિક્રોન’ના કેસ 40થી વધુ દેશોમાં જોવા મળ્યા છે.
આ અભ્યાસમાં ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવાનો દર બતાવતી ‘આર-વેલ્યુ’ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને 1.57 થઈ ગઈ છે. ‘આર-વેલ્યુ’ બતાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને કોરોનાથી સંક્રમિત કરી શકે છે. અભ્યાસમાં જણાવાયું છે કે આ દર એકથી નીચે જતો રહેશે તો મહામારી ખતમ થઈ ગઈ છે તેમ મનાશે.