Site icon Revoi.in

જાપાનના હ્યોગો પ્રાંતની કંપનીઓએ ગુજરાતમાં વધુ રોકાણો કરવા પ્રત્યે ઉત્સુકતા દર્શાવી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો(Hyogo) પ્રાંતના ગવર્નર શ્રી મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ ગુજરાત અને જાપાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં વ્યાપાર અને રોકાણો બાબતે ચર્ચા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં થયેલ અભૂતપૂર્વ વિકાસની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા તેમજ જાપાની કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. ગવર્નરએ ગુજરાતમાં હ્યોગો પ્રાંતની કંપનીઓ દ્વારા ગુજરાતમાં વધુ રોકાણો કરવા પ્રત્યે ઉત્સુકતા દર્શાવી હતી.

ગુજરાતમાં જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત  ગ્લોબલ સમિટ યોજાશે. જેની સરકાર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનું પ્રતિનિધિમંડળ જાપાનના પ્રવાસે ગયું છે. જાપાનના પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે વિવિધ રાજકીય મહાનુભાવો અને વિવિધ કંપનીના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. તેમજ તેમને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વર્ષોથી જાપાન કન્ટ્રી પાર્ટનર રહ્યું છે. જાપાન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનની મુસાફરી માણી હતી. દેશમાં હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન ઉપર જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે. પ્રોજેકટ ઉપર કામ કરતી કંપની દ્વારા અમદાવાદ-મુંબઈ રૂટ ઉપર વિવિધ સ્થળો ઉપર પિલ્લર પણ ઉભા કરી દેવામાં આવ્યાં છે.