Site icon Revoi.in

2014ની સરખામણીમાં રમત મંત્રાલયની બજેટ ફાળવણી લગભગ 3 ગણી વધારે: PM

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગોરખપુર સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, તમામ રમતવીરોએ આ સ્તર સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજય અને પરાજય એ રમતગમતનાં મેદાનની સાથે સાથે જીવનનો પણ એક ભાગ છે અને તેમણે કહ્યું હતું કે, તમામ રમતવીરોએ જીતવાનો બોધપાઠ શીખી લીધો છે. તેમણે કહ્યું હતું કે, રમતગમતની ભાવના ભવિષ્યમાં તમામ રમતવીરો માટે સફળતાના દ્વાર ખોલશે.

ખેલ મહાકુંભની પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ પર ટિપ્પણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, ચિત્રકલા, લોકગીતો, લોકનૃત્ય અને તબલા-વાંસળી વગેરે જેવાં ક્ષેત્રોના કલાકારોએ પણ કુસ્તી, કબડ્ડી અને હૉકી જેવી રમતોની સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમણે કહ્યું હતું કે, “રમતગમતની પ્રતિભા હોય કે કલા-સંગીત, તેની ભાવના અને તેની ઊર્જા એકસરખી છે.” તેમણે આપણી ભારતીય પરંપરાઓ અને લોકકલા સ્વરૂપોને આગળ વધારવાની નૈતિક જવાબદારી પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એક કલાકાર તરીકે ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લાનાં યોગદાનની નોંધ લીધી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, જો ભારતે દુનિયામાં રમતગમતની શક્તિ બનવું હોય તો નવી રીતો અને વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. તેમણે પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સ્તરે રમતગમતની સ્પર્ધાઓનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, પ્રાદેશિક સ્તરે સ્પર્ધાઓ માત્ર સ્થાનિક પ્રતિભાઓને જ નથી વધારતી, પણ સાથે સાથે સમગ્ર વિસ્તારનાં ખેલાડીઓનું મનોબળ પણ વધારે છે. પીએમએ કહ્યું હતું કે, “સાંસદ ખેલ મહાકુંભ એક નવો માર્ગ છે, એક નવી વ્યવસ્થા છે.”

તેમણે નોંધ્યું હતું કે, ગોરખપુર ખેલ મહાકુંભનાં પ્રથમ સંસ્કરણમાં 20,000 રમતવીરોએ ભાગ લીધો હતો અને આ સંખ્યા વધીને 24,000 થઈ ગઈ છે, જેમાં 9,000 રમતવીરો મહિલાઓ છે. ખેલ મહાકુંભમાં ભાગ લેનારા હજારો યુવાનો નાનાં શહેરો કે ગામડાંઓમાંથી આવે છે એ વાત પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, સાંસદ ખેલ મહાકુંભ યુવા ખેલાડીઓને તક પ્રદાન કરતું એક નવું પ્લેટફોર્મ બની ગયું છે.

નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, “ઉંમરને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ ફિટ રહેવાની આંતરિક ઇચ્છા ધરાવે છે.” જ્યારે રમતગમત અને રમતો એ ગ્રામીણ મેળાઓનો ભાગ હતા, જ્યાં અખાડાઓમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હતું, તે સમયને યાદ કરીને પીએમએ તાજેતરના સમયમાં પરિવર્તન પર સંતાપ વ્યક્ત કર્યો હતો, જેમાં આ તમામ જૂની પદ્ધતિઓમાં ઘટાડો થયો હતો. તેમણે શાળાઓમાં પીટીના પીરિયડ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને હવે ટાઇમ-પાસ પીરિયડ્સ તરીકે ગણવામાં આવે છે અને કહ્યું હતું કે તેનાં કારણે દેશે રમતગમતમાં ફાળો આપનારાઓની ત્રણ-ચાર પેઢીઓ ગુમાવી હતી. નાનાં શહેરોમાંથી ઘણાં બાળકો ભાગ લે છે એવા ટીવી પર આવતા ટેલેન્ટ હન્ટના કાર્યક્રમોની સરખામણી કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત ઘણી બધી છૂપી પ્રતિભાઓ ધરાવે છે અને રમતગમતની દુનિયામાં દેશની સંભવિતતાને ઉજાગર કરવામાં સાંસદ ખેલ મહાકુંભે બહુ મોટી ભૂમિકા ભજવવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે, સેંકડો સાંસદો દેશમાં આ પ્રકારના રમતગમતનાં કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં યુવાન ખેલાડીઓને પ્રગતિ કરવાની તક મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘણા ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમવા માટે આગળ વધશે અને ઑલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં દેશ માટે ચંદ્રકો પણ જીતશે. તેમણે કહ્યું હતું કે, “સાંસદ ખેલ મહાકુંભ રમતગમતનાં ભવિષ્ય માટે એક ભવ્ય માળખાગત સુવિધાનો મજબૂત પાયો નાખે છે.”

ગોરખપુરમાં પ્રાદેશિક સ્પોર્ટ્સ સ્ટેડિયમનું ઉદાહરણ ટાંકીને તેમણે નાનાં શહેરોમાં સ્થાનિક સ્તરે રમતગમતની સુવિધાઓ વિકસાવવા માટે સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ગોરખપુરના ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો માટે 100થી વધુ રમતનાં મેદાનો પણ બનાવવામાં આવ્યાં છે અને ચૌરી ચૌરા ખાતે એક મીની સ્ટેડિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “હવે દેશ સંપૂર્ણ વિઝન સાથે આગળ વધી રહ્યો છે.” તેમણે રમતગમતની અન્ય સુવિધાઓ ઉપરાંત ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ ખેલાડીઓને તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો.

આ વખતનાં બજેટનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014ની સરખામણીએ રમતગમત મંત્રાલયની બજેટ ફાળવણી લગભગ 3 ગણી વધારે છે. તેમણે નોંધ્યું હતું કે, દેશમાં ઘણાં આધુનિક સ્ટેડિયમોનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમણે ટોપ્સ (ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ) પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ખેલાડીઓને તાલીમ માટે લાખો રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. તેમણે ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને યોગ જેવાં અભિયાનો વિશે પણ વાત કરી હતી. દેશે બાજરીને શ્રી અન્નની ઓળખ આપી છે એ વાત પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જુવાર અને બાજરી જેવાં બરછટ અનાજ સુપરફૂડની શ્રેણીમાં આવે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને આ અભિયાનોમાં જોડાવા અને દેશનાં આ મિશનનું નેતૃત્વ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “આજે ઑલિમ્પિક્સથી લઈને અન્ય મોટી ટુર્નામેન્ટ્સ સુધી, તમારા જેવા યુવાન ખેલાડીઓ જ ચંદ્રકો જીતવાના વારસાને આગળ ધપાવશે.” તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવાનો તેજસ્વી રીતે ઝળકતા રહેશે અને તેમની સફળતાની ઝગમગાટ સાથે દેશનું નામ રોશન કરશે.