Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિના પદ માટે 80 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ કૂલપતિથી વહિવટ ચાલી રહ્યો છે. હવે કાયમી કૂલપતિ માટે અરજીઓ મંગાવાતા 80 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેમાં ત્રણ પૂર્વ કૂલપતિઓ, યુનિના પ્રોફેસરોનો પણ સમાવેશ થાય છે. તમામ ઉમેદવારો અનુભવી અને ક્વોલીફાઈડ છે, એટલે એવું કહેવાય છે કે, ભાજપના નેતાઓની નજીક હશે એવા ઉમેદવારને કૂલપતિ બનાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૂલપતિ બનવા માટે 80થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં હાલના કાર્યકારી ડૉ. ડોડિયા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છેલ્લા બે ટર્મથી ફરજ બજાવતા ડૉ. ચૌહાણનુ નામ ચર્ચામાં છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 પૂર્વ કાર્યકારી કુલપતિ ઉપરાંત હાલના એજ્યુકેશન અને MCA ડિપાર્ટમેન્ટના હેડના નામ પણ રેસમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, હવે સર્ચ કમિટીની ત્રણ વખત બેઠક મળશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ કોને બનાવવા તે નક્કી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ નક્કી કરાયેલું નામ સર્ચ કમિટીએ રદ કર્યુ હતુ. બાદમાં હવે નવેસરથી કાયમી કુલપતિ બનવા માટે અરજીઓ મંગાવવામાં આવી અને તેમા અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગષ્ટ હતી. ત્યાં સુધીમાં 80 જેટલા ઉમેદવારોએ કાયમી કુલપતિ બનવા માટે અરજી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ છેલ્લી 2 ટર્મથી ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રતાપસિંહ ચૌહાણનુ નામ ચર્ચામાં છે. જ્યારે હાલના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાને CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) હેઠળ આવે તો તેઓ પણ કાયમી કુલપતિ બની શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ અને આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ગિરીશ ભીમાણી તેમજ હોમ સાયન્સ ભવનના હેડ ડૉ. નીલાંબરી દવે રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય એજ્યુકેશન ભવનના અધ્યક્ષ અને RSSના ભરત રામાનુજ તેમજ MCA ભવનના પ્રોફેસર અતુલ ગોસાઈના નામો ચર્ચામાં છે. ઉપરાંત વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસર સી. એન. મૂર્થીનુ નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, રાજ્ય સરકારે બનાવેલી સર્ચ કમિટી દ્વારા 3 બેઠકના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિનું નામ જાહેર કરવામાં આવશે. આ કમિટીના ચેરમેન હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સોમનાથ સચદેવા છે.