Site icon Revoi.in

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ માટે રિઝવાન, આફ્રિદી અને શાન મસૂદ વચ્ચે હરિફાઈ

Social Share

નવી દિલ્હીઃ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ જવાનું નિશ્ચિત છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની આગામી અને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. બીજી તરફ વલ્ડક્પમાં પાકિસ્તાન તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેના કારણે કેપ્ટન બાબર આઝમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને નિષ્ણાતોએ સલાહ આપી હતી અને કહ્યું હતું કે બાબરની જગ્યાએ ટીમની કમાન અન્ય કોઈ ખેલાડીને સોંપવી જોઈએ. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાબર આઝમ પાસેથી કેપ્ટનશીપ લઈને કોને સોંપશે તે અંગે વિવિધ અટકળો વહેતી થઈ છે.  

શાનાદ મસૂદની ગણતરી પાકિસ્તાનના અનુભવી ખેલાડીઓમાં થાય છે. 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર મસૂદ પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટ રમે છે. રિપોર્ટ્સ અનુસાર બાબર આઝમ બાદ મસૂદને પાકિસ્તાનની કમાન સોંપવામાં આવી શકે છે.

રિઝવાન પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાન્સનો કેપ્ટન છે. રિઝવાને તેની કેપ્ટન્સીમાં મુલ્તાસ સુલતાન્સને PSL 2021માં ચેમ્પિયન બનાવ્યું હતું. રિઝવાન પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટ રમે છે. એક રિપોર્ટ્સ અનુસાર બાબર આઝમ બાદ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક છે અને તે ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. શાહીન પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સની કેપ્ટનશીપ કરે છે અને 2022 અને 2023માં સતત બે વાર ટીમને ચેમ્પિયન બનાવી હતી.

આ સિવાય વિભાજિત કેપ્ટનશિપ પણ પાકિસ્તાન માટે વિકલ્પ બની શકે છે. ટીમને ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ-અલગ કેપ્ટન મળી શકે છે. વિભાજિત કેપ્ટનશિપમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદને ટેસ્ટનો કેપ્ટન, વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ODI અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને T20 ઈન્ટરનેશનલનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.