અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મહિનાઓ પહેલા પ્રસાદમાં મોહનથાળને બદલે ચિક્કી અપાતા તે સમયે ભારે વિરોધ થયો હતો.અને આખરે નિર્ણયમાં ફેરફાર કરીને ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ ભાવિકો માગે તે પ્રમાણે આપવામાં આવી રહ્યા છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ ખરીદવામાં આવતો હોય છે. ભાદરવી પૂનમના મેળામાં સાડાચાર કરોડની વધુ કિંમતનો પ્રસાદ વેચાયો હતો, મોહનથાળનો પ્રસાદ બનાવવા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નકલી ઘીનો ઉપયોગ કરાતો હોવાનો પડદાફાશ થતાં કેટરર્સ સામે ફરિયાદ કરવામાં આવી છે. મોહનથાળ બનાવતી એક કેટરર્સ એજન્સીના ઘીનાં સેમ્પલ ફેઇલ થયાં છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે ઘીનાં સેમ્પલ લીધા હતા, જે ફેઇલ થયાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે. કે, ઘીના ડબ્બાઓ પર ગુજરાતની એક જાણીતી ડેરીના રેપર લગાવી દઈને શુદ્ધ ઘીના સ્થાને નકલી ઘી પધરાવવામાં આવતું હતુ.
રાજ્યના ફૂડ વિભાગે અંબાજીમાં ભાદરવી પૂનમ પહેલાં 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા.અને ઘીનાં સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ રિપોર્ટ આવતાં એ સેમ્પલો ફેઇલ થયાં હતા. એક કેટરર્સ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે અને એમાં શુદ્ધ ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફૂડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતાં એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 7 દિવસ ચાલેલા મહામેળામાં મંદિરને 4 કરોડ 61 લાખની પ્રસાદની આવક થઈ હતી.
અંબાજી મંદિરના પ્રસાદ- મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઇલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાઓમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો છે. મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હતું. મોહનથાળના ઘીના નમૂના ફેઇલ નીકળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેઇલ કર્યા છે. જિલ્લા કલેક્ટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રેક્ટરને પણ બ્લેક લિસ્ટ કરાયો છે.
ફુડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. 15 કિલોનો એક ડબ્બો એટલે કુલ 3000 કિલો ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ નીકળ્યું. આ વિશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટા પ્રમાણમાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે, જેથી મોટી માાત્રામાં પ્રસાદ માટે ઘીનો વપરાશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 28 ઓગસ્ટના રોજ ઘીનું સેમ્પલ લેવાયું હતું અને તે ફેલ નીકળ્યું છે. આ આખો જથ્થો સીલ કરી લીધો હતો. આ જથ્થામાંથી કોઈપણ ઘી અમે વાપરવા દીધું નથી. આ બાદ અમે બનાસ ડેરીમાં વાત કરીને ઘીના જથ્થાની વ્યવસ્થા કરી હતી. આખા મેળા દરમિયાન જે પણ ઘી વપરાયું છે, જે પણ વસ્તુઓ વપરાઈ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી હતી.