Site icon Revoi.in

વાહનચાલકોને ટ્રાફિક ભંગનો બનાવટી ઈ-મેમો સાથે લિન્ક મોકલીને કરાતી ઠગાઈ અંગે ફરિયાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. સાવચેતિ ન દાખવનારાઓને સાયબર ક્રાઈમનો ભોગ બનવું પડે છે. ઓનલાઈન બેન્ક એકાઉન્ટમાંથી ફ્રોડના બનાવો તો બનતા હોય છે. સાયબર ક્રાઈમ કરનારા ગઠિયાઓ લોકોને ઠગવા માટે અવનવી યુક્તિઓ શોધી કાઢતા હોય છે. વાહનોના આરટીઓના રજિસ્ટ્રેશન સાથે મોબાઈલ નંબર લિન્ક કરવામાં આવેલો છે. અને ટ્રાફિકભંગના ગુનાઓ માટે ઈ-મેમો મોબાઈલ પર મોકલવામાં આવતો હોય છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ echallan.parivahan.gov.in નામની સાઈટ પર દંડ ભરી શકાય છે. આ સાઈટ સરકારની અધિકૃત સાઈટ છે. પરંતુ કેટલાક ગઠિયાએ આ સાઈટની લગભગ કોપી કરી થોડા ફેરફાર સાથે છેતરપિંડીની નવી પદ્ધતિ અપનાવી છે. ગઠિયા ટોળકી echallanparivahan.in નામની સાઈટ બનાવી છે અને લોકોને ઈ-મેમો દંડ ભરવાનું કહેવામાં આવે છે. અનેક લોકોએ આ નકલી સાઈટ પર પૈસા ભરી દીધા હોવાનું પકડાતા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ કમિશનર કચેરીના પોલીસ કંટ્રોલ રૂમના એએસઆઈ યોગેન્દ્રસિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર અમદાવાદમાં ચાલતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સીસીટીવીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોનો ફોટો પાડી નેશનલ ઈન્ફર્મેશન સેન્ટરને મોકલવામાં આવે છે. એ પછી વન નેશન વન ચલણ હેઠળ નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકને દંડ ભરવા લિંક મોકલવામાં આવે છે. ગઠિયાઓએ સરકારી સાઈટ જેવી સાઈટ તૈયાર કરી લોકો સાથે છેતરપિંડી શરૂ કરી છે. આ ટોળકી વાહનચાલકોની માહિતી ઓનલાઈન મેળવે છે અને એ પછી વોટ્સએપ પર બનાવટી લિંક મોકલતી હોય છે. કેટલીક વખત વાહનચાલક દંડ ન ભરે તો કોર્ટ કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવતી હોય છે. પોલીસના ધ્યાને છેતરપિંડીની આ મોડ્સઓપરેન્ડી આવતાં આખરે ફરિયાદ થઈ છે. ઘણી વખત એવું બને છે કે, લોકોને દંડ ભર્યા પછી પણ છેતરપિંડી થયાનો ખ્યાલ આવતો નથી. દંડની રકમ પણ 100, 200 કે 500 રૂપિયા હોવાથી લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. હવે શહેરની સાયબર ક્રાઈમ પોલીસે ઠગ ટોળકીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.