Site icon Revoi.in

AMCના ગોમતીપુરમાં યોજાયેલા લોક દરબારના કાર્યક્રમમાં વિકાસની કામો ન કરાતા હોવાની ફરિયાદ

Social Share

અમદાવાદઃ શહેરના તમામ વોર્ડમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુર વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે આક્ષેપ કર્યો છે કે, શહેરના 48 વોર્ડમાં ફરિયાદ નિવારણ સભાના નામે શહેરી નાગરિકોના ટેક્સ નાણાંનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનો ધમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હોય એવા વિસ્તારોમાં ભેદભાવ રાખીને વિકાસના કામો કરવામાં આવતા નથી.

એએમસી દ્વારા ગોમતીપુરમાં વોર્ડ ઓફિસમાં યોજાયેલા લોકદરબારના કાર્યક્રમમાં શહેરના ગોમતીપુર વોર્ડના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોની યાદી કોંગ્રેસના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા અધિકારીઓને આપવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટર પરેશ પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને સ્થાનિક નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર ઈકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં 212 અલગ અલગ ફરિયાદો વોર્ડ સમિતિમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. એડીશનલ સીટી ઈજનેરને લેખિત, સોશિયલ મીડિયામાં આપવામાં આવ્યા છે. જેમાંથી ફક્ત 73 ફરિયાદોનો જ નિકાલ થયો છે. ગંભીર પ્રકારની 139 ફરિયાદોનું નિરાકરણ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી.

કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રદૂષિત પાણીની બોટલ પણ અધિકારીઓને આપવામાં આવી હતી. છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી કેટલાક વિસ્તારોમાં આવતું નથી. પીવાનું પાણી આવે છે તો તેમાં પ્રદૂષિત પાણી હોય છે. તુલસીપાર્ક પોલીસ ચોકીથી કોઠાવાળા વોરાની ચાલી, નાગપુર વોરાની ચાલી, મુનીશેઠનો ટેકરો, અમનનગર, ચંપા મસ્જીદ, શકરા ઘાંચીની ચાલી, શમશેરબાગ, હોકવાળી મસ્જીદ, પાકવાડો, મદની મહોલ્લા, સુથારવાડો, નાનો તથા મોટો વાસ, મણિયારવાડા સુધીની જાહેર માર્ગોની ડ્રેનેજ લાઈન ચોકઅપ હોવાથી જેટીંગ મશીન, સુપર શકર મશીન અને સીસીટીવી મશીન દ્વારા કામગીરી કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. ગોમતીપુર વોર્ડમાં રોડના કામો માટે ડામરની અછત છે. ચેમ્બર કવર, મેનહોલ કવર, મેચપીટ કવર અને સિમેન્ટના અભાવ હોવાથી નાના મોટા કામોમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામો કરવા મંજૂરી માટે ફાઈલો મોકલવામાં આવે છે પરંતુ, જ્યાં સુધી બજેટ નોંધાય નહીં ત્યાં સુધી કામગીરી શરૂ કરવામાં આવતી નથી અને અગાઉ ફક્ત કોન્ટ્રાક્ટર કામની મંજૂરી મળવાથી કામ થતું હતું. પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને નાગરિકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોક નિવારણ કાર્યક્રમનો સોમવારે છેલ્લો દિવસ હતો જેમાં પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાયો હતો. AMCની વિવિધ વિભાગોની 850 જેટલી અરજીઓ આવી હતી. જેમાં 603 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 287 જેટલી અરજીઓને વિવિધ વિભાગો દ્વારા ચકાસણી માટે બાકી રાખવામાં આવી હતી.