Site icon Revoi.in

અમદાવાદમાં સરખેજ વિસ્તારની સરકારી જમીન પચાવી પાડનારા 23 વ્યક્તિ સામે ફરિયાદ

Social Share

અમદાવાદઃ સરકારે જમીન માફિયાઓ સામે લાલ આંખ કરી છે. સરકારી જમીન પર કબજો જમાવી પોતાના હિત માટે આર્થિક ઉપાર્જન કરી સરકારને નુક્સાન પહોંચાડનાર શખ્સો વિરુદ્ધ કડક કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે તાજેતરમાં જ સરખેજ પોલીસ મથક ખાતે વેજલપુરના ફતેહવાડી રેવન્યૂ તલાટીએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા કુલ 23 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જમીનના નવા કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

સૂત્રોના જમાવ્યા મુજબ શહેરના વેજલપુરના ફતેહવાડીમાં રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા નયનભાઈ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યા મુજબ ફતેહવાડી સર્વે નં. 06 ક્ષેત્રફળ 0-78-92વાળી સરકાર દાખલ જમીન ઉપર આરોપીઓ (1) જાવેદભાઈ (2) ગુલમરભાઈ (3) શેખ મહેબુબભાઈ (4) નિશારભાઈ (5) શેખ ઈર્શાદભાઈ (6) રહીમખાન પઠાણ (7) સિંધી સલીમભાઈ ગફુરભાઈ (8) શેખ અવેશભાઈ (9) શોએબભાઈ નઝરભાઈ (10) ઈલિયાસભાઈ પટેલ (11) ચૌધરી મહંમદહનીફ (12) પઠાણ ઈમ્તિહાસખાન (13) પઠાણ ગફુરખાન (14) નાગોરી યાસીનભાઈ રમજાનભાઈ (તમામ રહે. ફતેહવાડી) (15) ઈલિયાસભાઈ ઈસ્માઈલભાઈ પટેલ (રહે. કોટની રાંગ, જમાલપુર) (16) અલતાફખાન તથા (17) સાજીદખાનએ ભેગા મળી સરકારી જમીન ઉપર દબાણ, અનઅધિકૃત રહેણાક તેમજ વાણિજ્યિક બાંધકામ અને પ્લોટિંગ કરી આર્થિક ઉપાજન મેળવ્યું હતું.

આ બાબતે તા. 18/6/2021ના રોજ અમદાવાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાતા સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અન્ય ફરિયાદની માહિતી મુજબ, ફતેહવાડીના સર્વે નં. 509ની 21,825 ચો.મી. ક્ષેત્રફળવાળી જમીન મહેસૂલી રેકોર્ડ પ્રમાણે સરકારી માલિકીની ચાલે છે. આ જમીન રિગ્રાન્ટ કરવા માટે અરજદાર કુંજીબેન ફતેહસંગ ઠાકોરે અરજી કરી હતી જેઓની માગણી નામંજૂર કરવામાં આવી હતી.હાલમાં તેઓની આ કાર્યવાહીમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. સરકારી કાર્યવાહી દરમિયાન કરાયેલી સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ 180 રહેણાક અને વાણિજ્યના બાંધકામના પાકા યુનિટ ઊભા કરાયા છે.