Site icon Revoi.in

વડોદરાના ગરબામાં NRI બાળકી સાથે સિક્યુરિટીએ ઝપાઝપી કરતા US એમ્બેસીને ફરીયાદ

Social Share

વડોદરાઃ શહેરમાં નવરાત્રીનું પર્વ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવાઈ રહ્યું છે, શહેરની દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ અને શેરીઓ તેમજ પાર્ટી પ્લોટ્સમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જોવા મળી રહી છે. જેમાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડે છે.લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા મહોત્સવમાં માતા-પિતા સાથે ગરબે ઘૂમતી 8 વર્ષની અમેરિક સિટીઝનશીપ ધરાવતી બાળકીને સિક્યોરિટી જવાનોએ હાથ પકડીને બહાર કાઢતા વિવાદ સર્જાયો છે. સિક્યોરિટી દ્વારા બાળકી સાથે કરેલી ઝપાઝપીમાં બાળકીને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બાળકીના પિતાએ અમેરિકા એમ્બેસીમાં ફરિયાદ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર રહેતા એક એનઆરઆઈ પોતાની પત્ની અને 8 વર્ષની અમેરિકન સિટીઝનશીપ ધરાવતી દીકરી સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા રમવા માટે ગયા હતા. ગરબા આયોજકો દ્વારા સુરક્ષાના ભાગરૂપે ત્રણ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યા બાદ ખેલૈયાઓને ગરબા મેદાનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આ પરિવાર પણ ત્રણ જગ્યાએ પોતાનું ચેકિંગ કરાવીને ગરબા મેદાનમાં ગરબા રમવા માટે પહોંચ્યા હતા. દરમિયાન મોડીરાત્રે માતા-પિતા સાથે ગરબા રમી રહેલી 8 વર્ષની દીકરીને બહાર કાઢવા માટે સિક્યોરિટી ગાર્ડ્સ ગરબા મેદાનમાં આવી પહોંચ્યા હતા અને બાળકીના માતા-પિતાને વિશ્વાસમાં લીધા વગર તેનો હાથ પકડીને બહાર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કરતા સિક્યોરિટી ગાર્ડ્સે ઝપાઝપી કરી હતી. આથી બાળકીના જમણા હાથ પર ચાંભા પડી ગયા છે. હાથમાં ઈજા પહોંચવાના કારણે બાળકીએ રડવાનું શરૂ કરતા ગ્રાઉન્ડમાં હાજર માતા-પિતા સિક્યોરિટી ગાર્ડ્સ પર રોષે ભરાયા હતા. પરંતુ સિક્યોરિટી ગાર્ડ્સે તેઓની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. દરમિયાન સિક્યોરિટી જવાનો દ્વારા કરવામાં આવેલી ઝપાઝપીમાં ઈજા પામેલી બાળકીના પિતાએ ગરબા આયોજકોનો સંપર્ક કરીને રજૂઆત કરી હતી. પરંતુ ગરબા આયોજકો દ્વારા પણ કોઈ વાત સાંભળવામાં આવી નહતી, અને થાય તે કરી લેવાની ધમકી આપી હતી. બાદમાં એનઆરઆઈ પિતાએ દીકરી સાથે બનેલી ઘટના અંગે 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલમાં જાણ કરતા PCR વાન આવી પહોંચી હતી અને સિક્યોરિટી જવાનોએ કારેલા વર્તન અંગે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે સિક્યોરિટી જવાનો સામે કાર્યવાહી ન કરીને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.

એનઆઆઈ પિતાને દીકરી સાથે થયેલા વર્તન અંગે કોઈ સહકાર ન મળતા આખરે તેઓ દીકરીને લઈ સારવાર કરાવવા માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને દીકરીની સારવાર કરાવી હતી. બાદમાં તેઓએ રાવપુરા પોલીસ મથકમાં ગરબા ગ્રાઉન્ડમાં સિક્યોરિટી જવાનો દ્વારા દીકરી સાથે અને પોતાની સાથે કરવામાં આવેલા વર્તન અંગે અરજી આપી હતી. જો કે, રાવપુરા પોલીસ દ્વારા આ અરજી અંગે પણ કોઈ કાર્યવાહી ન કરતા તેઓએ આખરે USA એમ્બેસીમાં ફરિયાદ કરી છે.