અમદાવાદઃ શહેરમાં ભાડા કરાર કર્યા સિવાય મિલકતો ભાડે આપતા મકાનમાલિકો સામે પોલીસે લાલ આંખ કરીને 100 જેટલા મકાનમાલિકો સામે ફરિયાદ દાખલ કરી છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા અનેક વખત જાહેરનામુ બહાર પાડીને પણ ભાડા કરાર ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાંય લોકો કમિશનરના હુકમનું પાલન કરતા નથી. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે પોલીસ એક્શન મોડ પર આવી છે અને ભાડા કરાર વગર રહેતા અને ધંધો કરતા લોકો પર તવાઇ બોલાવી છે. એક જ દિવસમાં પોલીસે ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટીને ભાડે આપનાર માલિકો વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 100થી વધુ ફરિયાદ કરી હતી.
શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ મકાનો ભાડે આપતા મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે સ્ટેમ્પ પર કરાર, નોટરીઝના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે, અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ કેટલાક મકાનમાલિકો મકાન ભાડે આપ્યા બાદ કરાર કરાવવાની તસ્દી લેતા નથી. નવરાત્રિ પુરી થયા બાદ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ચોર, તસ્કરો, લૂંટારૂ સહિતના અસામાજીક તત્ત્વો પોતાના ઇરાદા પાર પાડવા માટે આવતા હોય છે. ભરચક વિસ્તારની રેકી કર્યા બાદ ભાગવાના રસ્તા શોધ્યા બાદ ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. ગુનેગારો રેકી કરે ત્યા સુધી તે શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. મકાન માલિક વધુ ભાડાની લાલચમાં ગુનેગારોને મકાન ભાડે આપી દેતા હોય છે અને બાદમાં તેઓ ફસાઇ જતા હોય છે. શહેરમાં હજુ પણ હજારો લોકો છે કે ભાડા કરાર વગર રહે છે અને ધંધો પણ કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વમાં કોઇ લૂંટ, ચોરી જેવી ઘટના બને નહિ તેમજ આંતકવાદી હુમલા જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અનેક વખત માહિતી મળતી હોય છે કે, ત્રાસવાદી, અસમાજીક તત્ત્વો શહેરના રહેણાક તેમજ ઔધોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો લઇને જાહેર સલામતી અને શાંતીને ભંગ કરતા હોય છે. આવા લોકોને રોકવા માટે અને દિવાળી શાંતી પુર્ણ પુરી થાય તે હેતુસર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. શહેર પોલીસે 100થી વધુ પ્રોપર્ટીના માલિકો વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના ગુના દાખલ કર્યા છે.