1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં ગેરરીતિની ફરિયાદો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં ગેરરીતિની ફરિયાદો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં ગેરરીતિની ફરિયાદો

0
Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગની જુદી જુદી રીતે ટેક્સ વધારો અને ઘટાડો કરવા સહિત વિવિધ પ્રકારે અનિયમિતતા કે ગેરરીતિ આચરવામા આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે મ્યુનિ. રેવન્યુ કમિટીનાં ચેરમેને જ અમુક બિલોમાં ગેરકાયદેસર રીતે ક્રેડિટ ટ્રાન્સફર થયાનાં કૌભાંડનો પર્દાફાશ કરતાં મ્યુનિ.તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં દરેક ખાતામાં કોઇને કોઇ પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વહિવટી પાંખ ઉપર પણ મ્યુનિ.હોદ્દેદારોનો કોઇ અંકુશ હોય તેમ જણાતુ નથી અને ગેરરિતી અને ગરબડ ગોટાળાનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી ગયુ છે. વહિવટીતંત્રની સાથે સાથે ચૂંટાયેલી પાંખનાં કેટલાક કોર્પોરેટરો પણ ગેરકાયદે બાંધકામો, પાણી-ગટર જોડાણો, વોર્ડનાં કોન્ટ્રાકટરો પાસેથી પાર્ટી ફંડનાં નામે કટકી કરતાં હોવાનાં આક્ષેપો થઇ રહ્યાં છે. મ્યુનિ.નાં ઇજનેર અને એસ્ટેટ-ટીડીઓ ખાતા આ મામલે ટોચ ઉપર છે, તેમ છતાં પગલાં લેવાતા નથી. રોડ કમિટી ચેરમેને તો રોડનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારબાદ રેવન્યુ કમિટીના ચેરમેને ટેક્સ ખાતામાં આચરવામાં આવતાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાની હિંમત દર્શાવી હતી.

મ્યુનિ. ટેક્સ ખાતામાં મિલકતનાં માપમાં વધારો ઘટાડો કરીને, મિલકત ખાલીબંધ બતાવીને તેમજ મિલકતનાં ઉપયોગ બદલીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. પરંતુ સૌપ્રથમ વાર ટેક્સનાં બિલમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. મ્યુનિની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, ટેક્સનાં અમુક બિલમાં બિનઅધિકૃત રીતે ક્રેડિટ ટ્રાન્સફર થઇ હોવાનુ જાણવા મળ્યુ છે, જેને ગંભીરતાથી લઇને ટેક્સ અને ઇ-ગવર્નન્સ વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં  હાલ ટીસીએસના મોડ્યુલમાં જે તે વોર્ડ ઇન્સ્પેકટર કોઇ પણ ટેનામેન્ટ નંબરમાં મંજૂરી મુજબ વધારો-ઘટાડો કરવાની સત્તા ધરાવે છે. તેના માટે સૌપ્રથમ વોર્ડ ઇન્સ્પેકટર તેમના આઇડી અને પાસવર્ડથી સિસ્ટમમાં લોગ ઇન થાય તે પછી તેના મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવે તે સિસ્ટમમાં નાખ્યા પછી ટેક્સ બિલમાં સુધારા-વધારા કરી શકે છે. દરેક વોર્ડ ઇન્સ્પેકટર ફક્ત પોતાનાં નિયત વોર્ડમાં જ આ પ્રમાણે સુધારા વધારા કરી શકે છે અને અન્ય વોર્ડમાં આવા સુધારા કરી શકતા નથી. આ પ્રકારની સિસ્ટમ હોવા છતાં કોઇ પણ મંજૂરી વગર બિનઅધિકૃત રીતે ક્રેડિટ ટ્રાન્સફરનાં સુધારા કરાયા હોવાનું ધ્યાને આવ્યુ છે. મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેને ટેક્સ ખાતામાં ગરબડ ગોટાળા પકડી પાડ્યા છે તેવી વાત મ્યુનિ. ટેક્સ તેમજ ઇ-ગવર્નન્સ ખાતામાં અને અન્ય વિભાગોમાં ફેલાઇ જતાં ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જોકે વિજીલન્સ ખાતા પાસે પૂરતો સ્ટાફ જ નથી તે જોતાં આ ગંભીર પ્રકરણમાં કેવી રીતે તપાસ થશે તેવો સવાલો ઊઠી રહ્યા છે.

મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, મ્યુનિ.ની આવકમાં વધારો કરવા માટે ટેક્સ ખાતાને એક લાખથી વધુ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી કોમર્શિયલ મિલકતો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવાની સૂચના આવી છે, જેના ભાગરૂપે મધ્ય ઝોનમાં 68, ઉત્તરમાં 82, દક્ષિણમાં 38, પૂર્વમાં 23, પશ્ચિમમાં 36, ઉત્તર પશ્ચિમમાં 33 અને દક્ષિણ પશ્ચિમમાં 43 મિલકતને સીલ મારવામાં આવ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code