દિલ્હીઃનેપાળથી નીચા ભાવે ગુણવતાવિહોણું ખાદ્યતેલ ભારતમાં દાખલ કરાઈ રહ્યાંના અહેવાલ બાદ હવે ચા નો જથ્થો પણ ગેરકાયદેસર ભારતમાં દાખલ કરાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. . ગેરકાયદેસર આવેલો આ જથ્થો દાર્જિલિંગ ચા ના નામે બજારમાં લોકોને ધાબડી દેવાતો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સસ્તી મળતી ચા ની ગુણવત્તા નીચી હોવાથી ગુણવત્તાયુક્ત દાર્જિલિંગ ચા ની બદનામી થઈ રહી છે તેમજ સસ્તા ભાવના કારણે દાર્જિલિંગની ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં મોંઘી ચાનું માર્કેટ તૂટી રહ્યું છે ભારત માટે ચિંતામાં વધારો કરી રહ્યું છે.
સાઉથ એશિયન ફ્રી ટ્રેડના કરાર મુજબ દક્ષિણ એશિયાઈ દેશો એકબીજા વચ્ચે થતા વેપારમાં આયાત શુલ્ક વસુલ કરી શકતા નથી. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની સાથે નેપાળનો પણ સમાવેશ થાય છે. ત્યારે નેપાળ દ્વારા મોટી માત્રામાં ખાદ્યતેલની સાથોસાથ નીચી ગુણવત્તાવાળી ચાની ભૂકી ભારતમાં દાખલ કરાઈ રહી છે. જેના કારણે દાર્જિલિંગ ચા ના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પશ્ચિમ બંગાળમાં લોકડાઉન અમલી છે ત્યારે લોકડાઉન હળવું થતાની સાથે જ દાર્જિલિંગ ચાના વેપારીઓ પશ્ચિમ બંગાળ સરકારને નેપાળી ચામાં ગુણવતાના માપદંડ જળવાતા નહીં હોવાથી તેના વેચાણ પર આકરા નિયંત્રણ મુકવામાં આવે તેવી રજુઆત કરનાર છે. નોંધનીય બાબત છે કે, નેપાળી ચાની આયાત મોટાભાગે બંગાળ સરહદેથી જ કરવામાં આવે છે.