ગિરનારના 27 ગામો અને ESZમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હવે માટી, ટીનની બોટલોમાં પાણી મળશે
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામુ ફાઈલ કર્યું હતું. જૂનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગિર ઇકો સેન્ટર સેન્સેટિવ ઝોન મોનિટરીંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં ગિર ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગિરનારના 27 ગામ અને ESZના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. મોનિટરિંગ અને એક્શન માટે ઓથોરિટી દ્વારા 6 ટીમની રચના કરવામાં આવી છે. અંબાજી, દત્તાત્રય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ પર 3 ટીમ તેનાત રહેશે. 3 ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. જે ટીમોની રચના કરવામાં આવી છે. તેમાં વન વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ રહેશે. 6 સફાઈ કર્મચારીઓ દ્વારા અંબાજીથી દત્તાત્રય સુધી પગથિયાઓની સાફ સફાઇ કરવામાં આવશે અને આ માટે એક સુપરવાઇઝર હશે.
વન વિભાગ હસ્તકના 15 સફાઈ કર્મચારીઓ દ્વારા દાતાર સુધી સફાઈ કરવામાં આવશે.. તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ અંબાજી મંદિર સુધીના નવા તથા જૂના પગથિયાઓની 15 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવશે. પાણી માત્ર કાચની બોટલ, માટીની બોટલ અને ટીનની બોટલમાં જ મળી શકશે.
કોર્ટ મિત્રએ ટેટ્રા પેકમાં પ્લાસ્ટિક હોવા સામે વાંધો લેતા સરકારે પાણી માટે તે વિકલ્પ દૂર કર્યો હતો. લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું હતું. સાથે જ ઇકો સેન્સેટિવ ઝોનમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અધિકારીઓ હોવા જોઈએ તેવી કોર્ટે ટકોર કરી હતી. કોર્ટે આ સાથે જ કચ્છના રણમાં પણ પ્લાસ્ટિક બોટલ વિખેરાયેલી જોવા મળ્યાંનું કોર્ટનું અવલોકન કર્યું હતું. જે મામલે પણ દરકાર લેવા સરકારને સૂચન કર્યું હતું. ગિરનાર ઉપર સ્વચ્છતા જોવા થોડા સમય પછી કોર્ટ કમિશનર મોકલાશે તેવી કોર્ટે સરકારને ટકોર કરી હતી. મહા શિવરાત્રી નજીક હોવાથી ગિરનાર ESZ વિસ્તારમાં વધુ લોકો આવશે. ત્યારે લોકો આ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જઈ શકશે નહિ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કાયમી સફાઈ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવશે. (file photo)