(પરીક્ષિત જોશી)
આપણા ભારત દેશને આઝાદી મળી એ ઘટનાને ૭૫ વર્ષ આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨માં પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ શીર્ષક તળે એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીની શરુઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર કરી ચૂક્યા છે કે, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આઝાદીનો અમૃત મહોત્સવ આવે બરાબર એના ૭૫ અઠવાડિયા પૂર્વે શરુ થયેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી છેક ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ચાલવાની છે.
૧૮૫૭થી શરુ થયેલી આઝાદીની ચળવળના સમયમાં સૌ ભારતીયો પોતાની નાતજાત, ધર્મજ્ઞાતિ ભૂલીને સૌ સાથે મળીને એકજૂથ બનીને ભારતમાતાના હાથમાં રહેલા એ રાષ્ટ્રધ્વજ માટે મરી ફીટવાની કસમ ખાતા અને સમય આવે મોતને ગળે લગાવવામાં સહેજ પણ પાછી પાની કરતાં નહીં. આજે સ્વતંત્રતાના શ્વાસ લેતાં આપણી ત્રણ-ચાર પેઢી બદલાઇ ચૂકી છે. પણ એકસમયે જે રાષ્ટ્રધ્વજ આપણા માટે મરી ફીટવાનો એક મંત્ર હતો આજે તદ્દન વિસરાઇ ગયો છે. હા, આપણે એને યાદ કરીએ છીએ પણ માત્ર બે દિવસ પૂરતું એક, ૨૬મી જાન્યુઆરી અને બીજુ, ૧૫મી ઓગસ્ટના દિવસે. જો કે, મજાની વાત એ છે કે દર વર્ષે આ દિવસોના આગમન પહેલાં જ્યારે કેટલાંક સર્વેક્ષણ થાય છે તો એમાં આ બે દિવસોનો મુખ્ય ભેદ પણ મોટાભાગનાને ખબર હોતી નથી.
આમ તો આપણે સૌ ભારતવાસી જાણીએ જ છીએ કે આપણાં બે રાષ્ટ્રીય તહેવારો છે એક, ૨૬મી જાન્યુઆરી અને બીજો, ૧૫ ઓગસ્ટ. એમાંનો ૨૬ જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિવસ છે. કારણકે આ દિવસે જ વર્ષ ૧૯૫૦માં ભારતના બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું અને દેશની સત્તા પ્રજાના હાથમાં આવી હતી. 25 નવેમ્બર ૧૯૪૯ના રોજ દેશના બંધારણને મંજૂરી મળી. કુલ ૩૯૫ અનુચ્છેદો અને ૮ અનુસૂચિઓ સાથેનું ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે એ પણ આપણા માટે ગૌરવની બાબત છે.
ભારતીય બંધારણમાં વિવિધ દેશોના બંધારણોના અભ્યાસ પછી એમાંથી ભારતીય પરંપરાને અનુકૂળ પડે એટલી બાબતો લઇને એક નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ડૉ. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે બંધારણ રચના સમિતિમાં જોડાયેલા ૨૧૧ વિદ્વાનો દ્વારા બે મહિના અને ૧૧ દિવસો સુધી મહેનત કરીને તૈયાર કરેલા બંધારણને આ દિવસે લાગુ કર્યું એ પહેલાં પણ આ દિવસનું એક વિશેષ મહત્ત્વ હતું.
આ દિવસે ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પહેલી વાર ત્રિરંગા ઝંડાને લહેરાવ્યો હતો. આ અધિવેશનમાં જ ૨૬ જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ રીતે ૨૬ જાન્યુઆરી ભારતનો અઘોષિત સ્વતંત્રતા દિવસ બની ગયો હતો. ૨૬ જાન્યુઆરીના દિવસે જ ૧૯૬૫ના દિવસે જ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી.
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દેશનું બંધારણ લાગુ થયું અને એ રીતે સરકારના સંસદીય સ્વરુપની સાથે એક સમાજવાદી લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે ભારત દેશ વિશ્વની સામે આવ્યો. ત્યારથી ૨૬ જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે, અને એ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે.
ભારતીય બંધારણ લાગુ કરતાં પહેલા પણ ૨૬ જાન્યુઆરીનું ઘણું મહત્ત્વ હતું. ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ મધ્યરાત્રિએ રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ કરતા લાહોરમાંના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન પં. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભરાયું હતું, જેમાં ઠરાવ પસાર કરીને એ વાતની જાહેરાત કરવામાં આવી કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ સુધીમાં ભારતને ડોમિનિયન સ્ટેટસ્ સ્વીકૃતિ આપતી નથી તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કરી દેશે.
૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ સુધી જ્યારે અંગ્રેજ સરકારે આ ઠરાવ વિશે કોઇ પગલાં ન લીધા ત્યારે કોંગ્રેસે એ દિવસથી ભારતના પૂર્ણ સ્વાતંત્ર્યના દ્રઢ નિશ્ચયની જાહેરાત કરી અને સક્રિય આંદોલનની શરુઆત કરી. લાહોર અધિવેશનમાં જ પહેલી વાર ત્રિરંગા ઝંડાને ફરકાવવામાં આવ્યો હતો. એ દિવસે સર્વસંમતિથી એક બીજાે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો કે, દર વર્ષે ૨૬ જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ રીતે ૨૬ જાન્યુઆરી પહેલેથી જ ભારતનો સ્વતંત્રતા દિવસ બની ચૂક્યો હતો. એ દિવસથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી ૧૯૪૭માં ૨૬ જાન્યુઆરી ‘સ્વતંત્રતા દિવસ’ તરીકે જ ઉજવાતો રહ્યો.
ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ થઈ, જેમાં ભારતીય નેતાઓ અને અંગ્રેજ કેબિનેટ મિશને ભાગ લીધો. કંઇકેટલાંય સુધારવધારા પછી ભારતીય બંધારણને અંતિમ સ્વરુપ આપવમાં આવ્યું, જે ત્રણ વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ આધિકારિક રીતે ના રોજ આધિકારિક રીતે સ્વીકારવામાં આવ્યું. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બધાં જ સાંસદો અને વિધાનસભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા અને એના બે દિવસ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ડૉ. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને ત્રિરંગો ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની જાહેરાત કરી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પહેલાં રાષ્ટ્રપતિ બન્યા અને એમણે ગર્વમેન્ટ હાઉસના દરબાર હોલમાં પોતાના પદ અને ગોપનીયતાના શપથ લીધા. આ પહેલાં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ઉપસ્થિત રહ્યાં હતા.
હાલમાં ગણતંત્ર દિવસની જાહેર ઉજવણીની પરંપરા છેક ૧૯૫૫માં શરૂ થઇ હતી. એમાં પહેલીવાર રાજપથ ઉપર પરેડ થઇ. પરેડના પહેલા મુખ્ય મહેમાન પાકિસ્તાનના ગર્વનર જનરલ મલિક ગુલામ મોહમ્મદ હતા. બીજા જ વર્ષે ૧૯૫૬માં ગણતંત્ર દિવસની પરેડમાં એકના બદલે બે મુખ્ય મહેમાનને પહેલીવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પરેડમાં યુનાઈટેડ કિંગડમ-યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રબ બટલર અને જાપાનના મુખ્ય ન્યાયાધીશ કોટારો તાનાકા ઉપસ્થિત રહ્યા હતા. જો કે, વચ્ચે ૧૯૫૨-૫૩-૬૬ના ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ દેશના રાજનેતાને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. ૨૦૨૧ના વર્ષમાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના લીધે પરેડમાં કોઈ મુખ્યમહેમાન તરીકે હાજર રહ્યું નહતું.
૧૯૫૬થી શરુ થયેલી આ બે મુખ્ય મહેમાનની ડિપ્લોમસી અત્યાર સુધી પાંચવાર ૧૯૫૬-૬૮-૭૪-૮૪ અને ૨૦૧૬માં ઉપયોગ લેવામાં આવી છે. જો કે, વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા આમંત્રણને માન આપીને આસિયન વિસ્તારના 10 દેશના મહાનુભાવો હાજર રહ્યાં હતા. આસિયાન દેશોના રાજનેતાઓમાં સર્વક્ષી સુલતાન હસ્સાનલ બોલ્કીનાહ-બ્રુનેઈ, પ્રધાનમંત્રી હુન સેન-કંબોડિયા, રાષ્ટ્રપતિ જો કે, વિડોડો-ઈન્ડોનેશિયા, પ્રધાનમંત્રી થોન્ગ્લોઉન સિસોયુલીથ- લાઓસ, પ્રધાનમંત્રી નજીબ રઝાક- મલેશિયા, આન્ગ સાન સૂ કી-મ્યાનમાર, રાષ્ટ્રપતિ રોડ્રીગો ડુટેટ્રે-ફિલિપાઈન્સ, પ્રધાનમંત્રી લી સિન લોન્ગ-સિંગાપુર, પ્રધાનમંત્રી પ્રાયુત ચાન-ઓ-ચા -થાઈલેન્ડ અને પ્રધાનમંત્રી નગ્યુેન જુન ફ્યુક-વિયેતનામ ઉપસ્થિત રહ્યા હતા.
૨૬ જાન્યુઆરીના કાર્યક્રમોનું આયોજન કુલ ત્રણ દિવસોનું હોય છે. જેમાં ૨૭ જાન્યુઆરીએ ઇન્ડિયાગેટ ઉપર અને ત્યારબાદ પ્રધાનમંત્રીની રેલીમાં એનસીસી કેડેટસ્ દ્વારા વિવિધ પ્રદર્શન અને ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ૧૯૫૭થી સરકારે બહાદુર બાળકોને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવા શરૂ કર્યા. જેમાં ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોને વિવિધ ક્ષેત્રોમાં બહાદુરી માટે પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.
ભારતના પ્રધાનમંત્રી દ્વારા ઇન્ડિયા ગેટ ઉપર અમર જવાન જ્યોતિ ઉપર પુષ્પાંજલિ કર્યા પછી આ કાર્યક્રમની વિધિવત્ શરૂઆત થઈ છે. ત્યાર બાદ દેશ માટે પોતાના જીવ ન્યોછાવર કરી દેનારા સૈનિકોની સ્મૃતિમાં ૨૧ તોપની સલામી આપવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય ગાન થાય છે અને પરેડ શરૂ થાય છે. રાષ્ટ્રપતિની સાથે વિદેશી મુખ્ય મહેમાન આવે છે. આ મુખ્યમહેમાનોની ઉપસ્થિતિ એ પણ ભારતીય રાજનીતિનો એક ભાગ છે.
આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ૨૩મી જાન્યુઆરીના એમના જન્મદિવસથી જ ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની જાહેર ઉજવણી શરુ થઈ હતી. ઈન્ડિયા ગેટ પાસે નેતાજીની પૂર્ણ કદની એક પ્રતિમાના અનાવરણ સાથે આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવનારા ખરાં અર્થમાં સ્વાતંત્રસેનાની સુભાષબાબુને સ્મરણાંજલિ આપવાનું શુભકાર્ય પણ ૨૩મી જાન્યુઆરીના રોજ કરાયું હતું.
રાષ્ટ્રપતિની સામેથી ખુલ્લી જીપમાં વીર સૈનિકો પરેડ માટે પસાર થાય છે. ભારતના રાષ્ટ્રપતિ, કે જે ભારતના ત્રણેય સશસ્ત્ર દળોના મુખ્ય કમાન્ડર છે, એ વિશાળ પરેડની સલામી ઝીલે છે. ત્યારબાદ સશસ્ત્ર સેનાના સૈનિકોને બહાદુરી પુરસ્કાર અને મેડલ દ્વારા સન્માનવામાં આવે છે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે. સેનાની પરેડ પછી રંગારંગ સાંસ્કૃતિક પરેડ થાય છે. જેમાં વિવિધ રાજ્યોથી આવેલી પ્રતિકૃતિઓમાં રાજ્યના સાંસ્કૃતિક વારસાને દર્શાવાય છે.એમાં સરકારી વિભાગો પણ ભાગ લે છે. ત્યારબાદ બહાદુરી પુરસ્કાર વિજેતા બાળકો હાથી ઉપર સવારી કરતાં આવે છે. પરેડમાં સશસ્ત્ર સેનાના કુશળ વાહનચાલકો પોતાની કાબેલિયતનું પ્રદર્શન કરે છે.
૨૬મી જાન્યુઆરીના ઉત્સવની શરૂઆત દેશના વીર સૈનિકોને એમના શહીદ સ્મારક ‘અમર જવાન’ ઉપર સ્મૃતિપુષ્પાંજલિ અર્પીને થાય છે. અને ત્રિદિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ સૈનિકોની પરેડ દ્વારા જ થાય છે. રાજપથ ઉપર ચાલતા આખા કાર્યક્રમમાં સૌથી મહત્ત્વના અને કેન્દ્ર સ્થાને છે ભારતીય સૈન્ય શક્તિનું પ્રદર્શન. એ રીતે આ આપણો ‘રાષ્ટ્રીય શક્તિ દિવસ’ છે. ચાલો, આપણે પણ એની ઉજવણીમાં સહર્ષ ભાગ લઇએ અને માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ફેડવાનો નાનોઅમથો પ્રયત્ન કરીએ. જયહિન્દ.
વર્ષ મુખ્ય મહેમાનનું નામ દેશ
૧૯૫૦ રાષ્ટ્રપતિ સુકર્ણો ઇન્ડોનેશિયા
૧૯૫૧ રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહ નેપાળ
૧૯૫૨ -કોઈને આમંત્રણ નહીં-
૧૯૫૩ -કોઈને આમંત્રણ નહીં-
૧૯૫૪ રાજા જિગ્મે દોરજી વાંગચુક ભૂટાન
૧૯૫૫ ગર્વનર જનરલ મલિક ગુલામ મોહમ્મદ પાકિસ્તાન
૧૯૫૬ (૨) ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રબ બટલર યુકે
મુખ્યન્યાયાધીશ કોટારો તાનાકા જાપાન
૧૯૫૭ રક્ષા મંત્રી જ્યોર્જ જ્યુખોવ સોવિયેત સંઘ
૧૯૫૮ માર્શલ યે જિયાનયિંગ ચીન
૧૯૫૯ ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ યુકે
૧૯૬૦ રાષ્ટ્રપતિ ક્લિમેન્ટ વોરોશિલોવ સોવિયેત સંઘ
૧૯૬૧ રાણી એલિઝાબેથ દ્વિતીય બ્રિટન
૧૯૬૨ પ્રધાનમંત્રી વિગ્ગો કામ્પમન્ન ડેનમાર્ક
૧૯૬૩ રાજા નોરોડોમ સિહાનોક કંબોડિયા
૧૯૬૪ રક્ષા સ્ટાફ પ્રમુન્ લુઈસ માઉન્ટબેટન યુકે
૧૯૬૫ ખાદ્ય અને કૃષિ મંત્રી રાણા અબ્દુલ હમિદ પાકિસ્તાન
૧૯૬૬ -કોઈને આમંત્રણ નહીં-
૧૯૬૭ રાજા મોહમ્મદ ઝાહિર શાહ અફઘાનિસ્તાન
૧૯૬૮ (૨) પ્રધાનમંત્રી અલેક્સી કોસિજીન સોવિયેત સંઘ,
રાષ્ટ્રપતિ જોસિપ બ્રોજ ટીટો યૂગોસ્લાવિયા
૧૯૬૯ પ્રધાનમંત્રી ટોડ ઝિવકોવ બલ્ગેરિયા
૧૯૭૦ રાજા બૌડોયિન બેલ્જિયમ
૧૯૭૧ રાષ્ટ્રપતિ જુલિયસ નિયરેરે તાન્જાનિયા
૧૯૭૨ પ્રધાનમંત્રી શિવસાગર રામગુલામ મોરિશ્યસ
૧૯૭૩ રાષ્ટ્રપતિ કર્નલ જાેસેફ મોબૂતો જૈર
૧૯૭૪ (૨) રાષ્ટ્રપતિ જાેસિપ બ્રોજ ટિટો યૂગોસ્લાવિયા,
પ્રધાનમંત્રી સિરિમાવો બન્દારનાઈક શ્રીલંકા
૧૯૭૫ રાષ્ટ્રપતિ કેનેથ કૌંડા જામ્બિયા
૧૯૭૬ વડાપ્રધાન જેક્યુસ શિરાક ફ્રાન્સ
૧૯૭૭ મુખ્ય સચિવ એડવર્ડ ગિરેક પોલેન્ડ
૧૯૭૮ રાષ્ટ્રપતિ પેટ્રિક હિલેરી આર્યલેન્ડ
૧૯૭૯ પ્રધાનમંત્રી માલ્કમ ફ્રેજર ઓસ્ટ્રેલિયા
૧૯૮૦ રાષ્ટ્રપતિ વાલેરી ગિસકાર્ડ ડીએસ્ટન્ગ ફ્રાન્સ
૧૯૮૧ રાષ્ટ્રપતિ જાેસ લોપેજ પોર્ટિલો મેક્સિકો
૧૯૮૨ રાજા જાેન કાર્લોસ પ્રથમ સ્પેન
૧૯૮૩ રાષ્ટ્રપતિ સેહુ શગારી નાઈઝિરિયા
૧૯૮૪ (૨) રાજા જિગ્મેે સિંગયે વાંગચુક ભૂટાન
ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ રુદિની ઈન્ડોનેશિયા
૧૯૮૫ રાષ્ટ્રપતિ રાઉલ આલફોન્સીન આજેર્ન્ટિના
૧૯૮૬ વડાપ્રધાન આન્દ્રેસ પાપાન્દ્રેઉ ગ્રીસ
૧૯૮૭ રાષ્ટ્રપતિ અલાન ગાર્સિઆ પેરૂ
૧૯૮૮ રાષ્ટ્રપતિ જુનિયસ જયવર્ધને શ્રીલંકા
૧૯૮૯ મહાસચિવ નગ્યૂન વોન લિન્હ વિયેટનામ
૧૯૯૦ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથ મોરિશ્યસ
૧૯૯૧ રાષ્ટ્રપતિ મોમૂન અબ્દુલ ગય્યૂમ માલદિવ
૧૯૯૨ રાષ્ટ્રપતિ મારિયો સોર્સ પોર્ટુગલ
૧૯૯૩ વડાપ્રધાન જ્હોન મેજર યુ.કે.
૧૯૯૪ વડાપ્રધાન ગોહ ચોક ટોન્ગ સિંગાપુર
૧૯૯૫ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા દક્ષિણ
૧૯૯૬ રાષ્ટ્રપતિ ડૉ. ફર્નાન્ડો હેન્રીક્યૂ કોર્ડોસો બ્રાઝિલ
૧૯૯૭ વડાપ્રધાન બાસદેવ પાન્ડે ત્રિનિદાદ અને ટોબેગો
૧૯૯૮ રાષ્ટ્રપતિ જેક્યુસ ચિરાક ફ્રાન્સ
૧૯૯૯ રાજા બિરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવ નેપાળ
૨૦૦૦ રાષ્ટ્રપતિ ઓલુસેગુન ઓબાસાન્જાે નાઇજેરિયા
૨૦૦૧ રાષ્ટ્રપતિ એબ્ડેલાઝીઝ બોઉટેફ્લીકા એલ્જેરિયા
૨૦૦૨ રાષ્ટ્રપતિ કાસમ ઉત્તીમ મોરેશિયસ
૨૦૦૩ રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમી ઇરાન
૨૦૦૪ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસીઓ લુલા દ સિલ્વા બ્રાઝિલ
૨૦૦૫ રાજા જિગ્મે સિન્ગેયે વાન્ગચૂક ભૂટાન
૨૦૦૬ રાજા અબ્દુલ્લાહ બીન અબ્દુલ્લ અઝીઝ અલ સાઉદ, સાઉદી અરેબિયા
૨૦૦૭ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા
૨૦૦૮ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી ફ્રાન્સ
૨૦૦૯ રાષ્ટ્રપતિ નુરસુલતાન નાઝારબાયેબ કઝાકિસ્તાન
૨૦૧૦ રાષ્ટ્રપતિ લી મ્યુન્ગ બાક રિપબ્લિક ઓફ કોરિયા
૨૦૧૧ રાષ્ટ્રપતિ સુસિલો બામ્બાંગ યુધોયોનો ઇન્ડોનેશિયા
૨૦૧૨ પ્રધાનમંત્રી યિંગલક ચિનાવાટ થાઈલેન્ડ
૨૦૧૩ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક ભૂટાન
૨૦૧૪ પ્રધાનમંત્રી શિન્જાે અબે જાપાન
૨૦૧૫ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકા
૨૦૧૬ (૨) રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદ ફ્રાન્સ
રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેન શ્રીલંકા
૨૦૧૭ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન યુએઈ
૨૦૧૮ (૧૦) આસિયાન દેશોના રાજનેતાઓ
સુલતાન હસ્સાનલ બોલ્કીનાહ બ્રુનેઈ
પ્રધાનમંત્રી હુન સેન કંબોડિયા
રાષ્ટ્રપતિ જોકો વિડોડો ઈન્ડોનેશિયા,
પ્રધાનમંત્રી થોન્ગ્લોઉન સિસોયુલીથ લાઓસ,
પ્રધાનમંત્રી નજીબ રઝાક મલેશિયા,
આન્ગ સાન સૂ કી મ્યાનમાર,
રાષ્ટ્રપતિ રોડ્રીગો ડુટેટ્રે ફિલિપાઈન્સ,
પ્રધાનમંત્રી લી સિન લોન્ગ સિંગાપુર,
પ્રધાનમંત્રી પ્રાયુત ચાન-ઓ-ચા થાઈલેન્ડ,
પ્રધાનમંત્રી નગ્યુન જુન ફ્યુક વિયેતનામ
૨૦૧૯ રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દક્ષિણ આફ્રિકા
૨૦૨૦ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો બ્રાઝિલ
૨૦૨૧ -કોવિડ-૧૯ના લીધે કોઈ નહીં-