Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ નર્મદાનું પાણી છોડવા માંગણી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માગણી સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્ય સરકારે 30 જૂનથી ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરતાં તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી. ખેડૂતોએ અગાઉના વરસાદમાં વાવેતર કરી દીધું હતું, પણ હવે વરસાદ ખેંચાતા તેમનું વાવેતર નાશ પામે તેવી સ્થિતિ છે.

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વરસાદમાં ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે, આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં મગફળીનું સારૂએવું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાતનો ખેડુત પણ મહેનતુ છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. હાલ વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. મોંઘુ ખાતર, બીયારણ ખરીદીને વાવેતર કર્યું હતું, હવે વરસાદ ખેંચાતા પાક મુરઝાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

સરકારે ઉત્તર ગુજરાતમાં ગત તા. 30મી જુનથી નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દીધુ છે. બીજીબાજુ બાર અને કૂવાના તળ પણ ઊંડા જતા રહ્યા છે. એટલે સરકારે વહેલી તકે નહેરોમાં પાણી છોડવામાં આવે તો જ પાકને બચાવી શકાય તેમ છે. ઉત્તર ગુજરાતના તમામ જળાશયોમાં પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે ખેડુતોએ સરકારને રજુઆત પણ કરી છે.