- યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા
- 90 ટકા કેસો માટે રહેશે આ વેરિયન્ટ જવાબદાર
- યુવાનોને વધુ જોખમ
દિલ્હી : કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે.કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને યુરોપના લોકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટ સો પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો. હવે આવતા સપ્તાહમાં યુરોપના 90 ટકા કેસો માટે આ વેરિયન્ટ જવાબદાર રહેશે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેશન એન્ડ કંટ્રોલ દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ઉનાળા દરમિયાન ડેલ્ટા વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાશે. ખાસ કરીને એવા યુવાનોમાં જેમને હજી રસી આપવામાં આવી નથી.
આ સંદર્ભમાં ઇસીડીસીના ડિરેક્ટર એંડ્રીયા ઇમ્મને એક નિવેદન જારી કર્યું છે.તેમણે કહ્યું કે, ‘ડેલ્ટા વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતાં ઝડપથી ફેલાય છે અને અમને લાગે છે કે,ઓગસ્ટના અંત સુધીમાં યુરોપિયન યુનિયનમાં શોધી કાઢેલા 90 ટકા કેસો માટે જવાબદાર રહેશે. ઇસીડીસીનું અનુમાન છે કે, ડેલ્ટા વેરિયન્ટ,આલ્ફા વેરિયન્ટની તુલનામાં 40 થી 60 ટકા વધુ સંક્રામક છે, જે સૌથી પહેલા બ્રિટેનમાં મળી આવ્યો હતો. તે હાલમાં યુરોપમાં ફેલાય રહ્યો છે.
એજન્સીએ કહ્યું કે આ વેરિયન્ટ ઓગસ્ટની શરૂઆત સુધીમાં ઇયુમાં કુલ સાર્સ –સીઓવી -2 ના કુલ કેસોમાં 70 ટકા અને ઓગસ્ટના અંત સુધીમાં 90 ટકા કેસો માટે જવાબદાર રહેશે. ઇસીડીસીએ આ વેરિયન્ટ ઘટાડવા માટે ઝડપી રસીકરણ પર ભાર મૂકવાની હાકલ કરી છે. એજન્સી અનુસાર, યુરોપિયન યુનિયનમાં 80 વર્ષથી વધુ ઉંમરના 30 ટકા લોકો અને 60 વર્ષથી વધુ વયના 40 ટકા લોકોને હજી સંપૂર્ણ રસી અપાઈ નથી.