Site icon Revoi.in

ગોપનાથ મહાદેવજીના મંદિરમાં ત્રિદિવસીય શિવ દર્શનનું સમાપન

Social Share

 ભાવનગરઃ જિલ્લાના તળાજા નજીક સમુદ્રકાંઠે આવેલા સુપ્રસિદ્ધ ગોપનાથજી મંદિરના પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રોનું અનોખા “શિવ દર્શન” આયોજન કરાયું હતું. ત્રિદિવસીય શિવ દર્શનનો સંતો,મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો, મહાદેવજીના દર્શને આવતા ભાવિકોએ મોટી સંખ્યામાં શિવ દર્શનનો લાભ લીધો હતા. ચિત્રકાર શિવભક્ત હસમુખભાઈ પટેલે ભાવિકોને શિવજીના વિવિધ ચિત્રા વિશે સમજ આપી હતી. અને આજે શ્રાવણી અમાસને સોમવારના દિને  શિવ દર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિરમાં ત્રણ દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 31મી ઓગસ્ટ 2024 ને શનિવારના રોજ સંતો મહંતોનાં આશીર્વાદ સાથે થયો હતો. શિવ દર્શનમાં ત્રણ દિવસ  દરમિયાન મોટીસંખ્યામાં ભાવિકોએ શિવ દર્શનનો લાભ લીધે હતો.

શિવ દર્શનનાં પ્રારંભ સમયે ઉપસ્થિત સંતો મહંતો અને ભક્તો ને ચિત્રો નો મહિમા વર્ણવતા શિવ ભક્ત હસમુખભાઇ પટેલ એ જણાવ્યું હતું કે, આ ચિત્રો દોરવા એ મારા માટે ભકિત છે.  શિવના મહિમાને અંકિત કરતા ચિત્રો ભક્તો સુધી પહોંચે તે માટે પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શિવ દર્શન નું આયોજન કરીએ છીએ. દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો દોરનારા અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પાન પાર્લર નો વ્યવસાય ધરાવે છે.  કર્મ અને ધર્મ બંને નો સમન્વય ધરાવતા હસમુખભાઈ પટેલ શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત  કરવામાં માત્ર લાલ અને કાળા રંગનો  ઉપયોગ કરે છે.

તેમણે અંકિત કરેલી દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા ધરાવતી કૃતિઓનું શિવદર્શન દ્વાદશ જ્યોતિર્લિંગમાં આયોજિત કરવાનો તેમનો સંકલ્પ પૂર્ણ થયો છે. અને હવે ગુજરાતના મહાદેવના મંદિરોમાં શિવ દર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે. માત્ર એસએસસી સુધી અભ્યાસ ધરાવતા શિવભક્ત હસમુખ પટેલ નું કહેવું છે કે ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું. ચિત્રો દોરવાની કોઈ તાલીમ લીધી નથી. માત્ર શિવ ભગવાનના જ ચિત્રો દોરું છું. મને ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે તેના કરતાં શિવભક્ત કહે તો મને વધુ આનંદ થાય છે.

ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2006 ના શ્રાવણ પર્વમાં થયો હતો. ત્યારબાદ તમામ  જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન  કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.  બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કર્યું છે.જેમાં ધંધૂકા નજીક ભીમનાથ મહાદેવ અને બોટાદ નજીક ઘેલાસોમનાથની યાત્રા પુરી કરી આ વર્ષે ભાવનગર જિલ્લાના તળાજા નજીક દરિયા કાંઠે આવેલા પ્રાચીન મંદિર ગોપનાથ મહાદેવ મંદિરમાં શિવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.