- 10 જળાશયોમાં એકદમ ખાલી
- 203 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો
- સરદાર સરોવર ડેમમાં હાલ 43.29 ટકા પાણી
અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે જો કે, હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થયો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેર-નગરોમાં વરસાદ વરસ્યો છે પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ લોકો મેઘરાજા મનમુકીને વરસે તેવી આશા રાખી રહ્યાં છે. બીજી તરફ અનેક જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. રાજ્યના લગભગ 10 જળાશયો એકદમ ખાલી છે. જ્યારે 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે. રાજ્યના લગભગ 207 જળાશયોમાં હાલ માત્ર 37.15 ટકા જેટલુ જળસ્તર છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ જળસ્તર 43.29 ટકા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.42 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.57 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.27 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.21 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 24.41 ટકા જળસ્તર છે. રાજ્યના એક જળાશયમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 203 જળાશયોમાં 70 ટકાથી ઓછુ અને બે જળાશયોમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજુ સુધી સરેરાશ 4.92 ઈંચ સાથે મોસમનો 14.72 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી 18.50 ટકા, સૌરાષ્ટ્રમાંથી 16.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.39 ટકા, ઉત્તર ગુજરાતમાં 10.45 ટકા જ્યારે કચ્છમાં 7.69 ટકા વરસાદ નોંધાયો છે.
(Photo-File)