વડોદરા: એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી જીવનમાંથી સમાજ જીવનમાં પદાર્પણ કરી રહ્યા છો, ત્યારે સયાજીરાવના સિદ્ધાંતોને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા તેમણે જણાવ્યું હતું.
મહારાજા સયાજીરાવે ગુલામીના કાળખંડમાં શિક્ષણ, સંસ્કાર, ઉદ્યોગ અને વ્યક્તિનિર્માણનું ભગીરથ કાર્ય પોતાના સુશાસન થકી કર્યું હતું, તેનું સ્મરણ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, મહર્ષિ અરવિંદથી લઈને દિવંગત આઈ. જી. પટેલ જેવા અનેક મહાનુભાવો આ યુનિવર્સિટીએ દેશને આપ્યા છે. જેઓએ પોતાના યોગદાન થકી સમગ્ર દેશ સહિત વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી હતી.
વડોદરામાં સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલ એમ.એસ.યુનિવર્સિટીના ૭૧ માં પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને યુનિ.ના ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં ૭૭ વિદ્યાર્થીનીઓને ૧૧૫ સુવર્ણચંદ્રક અને ૧૧૪ વિદ્યાર્થીનીઓને ૧૮૭ સુવર્ણ ચંદ્રક સહિત ૧૯૧ વિદ્યાર્થીઓને કુલ ૩૦૨ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.આ પદવીદાન સમારોહમાં ૬૭૧૩ વિદ્યાર્થીઓ અને ૮૦૪૮ વિદ્યાર્થીનીઓ સહિત કુલ ૧૪,૭૬૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આજે અહીંથી તમે જે શિક્ષા-દીક્ષા લીધી છે, તેનો ઉપયોગ સમાજને આગળ લઈ જવા માટે કરવો જોઈએ. ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર આવી પોતાની માતૃભાષાને હંમેશા યાદ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે, સ્વભાષા વ્યક્તિનિર્માણનું મહત્વનું અંગ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. માતૃભાષાનો હંમેશા સંવર્ધન કરવા તેમણે આગ્રહ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ નવી શિક્ષણ નીતિનો દેશમાં તમામ વર્ગો અને પક્ષોએ સ્વાગત કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ પદવી, નોકરી, સુખ-સુવિધા માટે નહીં, પરંતુ સંપૂર્ણ માનવ બનવા માટેનું માધ્યમ હોવાનું જણાવી તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬ માં દેશમાં ૭૫૪ સ્ટાર્ટઅપ હતા, આજે તેની સંખ્યા ૧૭ હજારથી પણ વધારે છે. વર્ષ ૨૦૧૬ માં ૪ સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબની સાપેક્ષમાં આજે ૧૦૭ સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબ છે. જેમાં મહિલાઓની ભાગીદારી ૪૫ ટકા છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ત્રણ હજાર પેટન્ટની અરજીઓ પૈકી ૨૧૧ પેટન્ટ ગ્રાન્ટ થઈ હતી, જેની સાપેક્ષે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૫૦ લાખ પેટન્ટની અરજીઓ પૈકી ૨૪ હજાર ગ્રાન્ટ થઈ છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશમાં અગાઉ ૪૦ કેન્દ્રીય વિદ્યાલયો હતી, જેની સામે આજે ૪૬ કેન્દ્રીય વિદ્યાલયો છે. આવી જ રીતે, આઈ. આઈ. ટી. ૧૬ સામે ૨૩, આઈ. આઈ. એમ. ૧૩ સામે ૨૦ થઈ છે.