Site icon Revoi.in

ક્યા પક્ષમાં જોડાવવુ તે અંગે નરેશ પટેલ અવઢવમાં, કોંગ્રેસના પાટિદાર નેતાઓએ તો આમંત્રણ આપી દીધું

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ખોડલધામના અગ્રણી અને લેઉવા પાટિદાર સમાજમાં સારૂએવું માન ધરાવતા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા દિલ્હીની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાની અને પંજાબમાં રાજયસભાની ટિકિટની ઓફર કર્યાની ચર્ચા જાગી હતી. ત્યારબાદ ભાજપના દિલિપ સંઘાણીએ “આપ” કે કોંગ્રેસમાં જોડાશો તો હાર્દિક પટેલ જેવા હાલ થશે તેમ કહીને ગર્ભીત ચીમકી આપી હતી.  ત્યારબાદ કહેવાય છે. કે, ભાજપના અગ્રણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ સીઆર પાટિલે નરેશ પટેલ સાથે વાત કરીને નિવેદન આપ્યું હતું.  જોકે નરેશ પટેલ જ ક્યા પક્ષ સાથે જોડાવવું તે અગે હજુ અવઢવ અનુભવી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ ખુબ ચર્ચામાં છે. નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે તેની ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી છે. આ વચ્ચે આજે ઉત્તર ગુજરાત પાટીજદાર સમાજના અગ્રણીઓ ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે મુલાકાત કરવા પહોંચ્યાં હતા. પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક પહેલાં નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણમાં જોડાવા માટે મારે હજુ થોડો સમય જોઈએ.

ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓ સાથે નરેશ પટેલની બેઠક યોજાઈ છે. નરેશ પટેલે કહ્યુ કે, બહેનો અને યુવાન મિત્રોની લાગણી છે કે હું રાજકારણમાં આવુ. તેમણે કહ્યું કે, દરેક સમાજની લાગણી મારે જોવાની હોય. આ સાથે નરેશ પટેલે કહ્યું કે, મારે રાજકારણમાં જોડાવા માટે હજુ થોડા સમયની જરૂર છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યા બાદ પાર્ટીની જાહેરાત કરીશ.  રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે કહ્યુ કે, રાજનીતિમાં આવવું કે નહીં તેની જાણ હું મીડિયાના માધ્યમથી કરીશ. ખોડલધામ પરિસર ક્યારેય રાજકારણની વાત કરતું નથી. આ ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી. અહીં માત્ર સંગઠનની વાત કરવામાં આવશે. અહીં સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું.

ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલને મળવા પહોંચ્યા હતા. દરમિયાન પાસના કન્વીનર ગીતાબેન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી ઈચ્છા છે. આ સાથે તેમણે કહ્યું કે, નરેશભાઈ ગમે તે પક્ષમાં જાય તો પણ મારી શુભેચ્છા જોડાયેલી છે. ગીતાબેને કહ્યું કે, સમાજની લડાઈ લડવી હોય તો સામા પક્ષે રહીને લડવાની હોય છે. તેમણે કહ્યું કે, સરકારે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ કેસ પાછા ખેંચ્યા નથી. આ બેઠકમાં હાજર રહેલા મહેસાણા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત પટેલે કહ્યુ કે, અમે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ કોઈપણ સંજોગોમાં એક થવા અને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપવા ખોડલધામ પહોંચ્યા હતા. ભરત પટેલે કહ્યુ કે, અમારા મંતવ્ય પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ.