અમદાવાદઃ રાજ્યમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાતા પરીક્ષાર્થીઓમાં રોષ ઊભો થયો છે. ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષા 13મીએ યોજાવાની હતી તેની વિદ્યાર્થીઓ ઘણા વખતથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે.
પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે. 3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરાના રાજીનામાં બાદ આ પરીક્ષા મોકૂફ રહેવાની સંભાવના હતી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાથી પરીક્ષા ફરી એક વખત મોકૂફ રખાઈ છે.
આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધો.12ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. આ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. પરીક્ષા રદ કરતા પરીક્ષાર્થીઓ નાસીપાસ થઈ ગયા છે. હવે ક્યારે પરીક્ષા લેવાશે તે નક્કી નથી.