Site icon Revoi.in

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

Social Share

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવી હોવાનો દાવો કરતા નિરંજને કહ્યું કે, તે સંસદના ચૂંટાયેલા સભ્યની બેજવાબદારી અને અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં ચૂંટણી તંત્રની બેદરકારી દર્શાવે છે.

કોંગ્રેસના નેતા જી. નિરંજને એક વીડિયો પણ જાહેર કર્યો છે અને કહ્યું છે કે, એક સાંસદ માટે બે જગ્યાની મતદાર યાદીમાં પોતાનું નામ હોય અને તેને ચૂપચાપ જોતા રહે તે યોગ્ય નથી. એટલા માટે તેલંગાણા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચને પત્ર મોકલવામાં આવ્યો છે. તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડીએ ચૂંટણી પંચ પાસે AIMIMના વડા ઓવૈસી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ઓવૈસી પર કોંગ્રેસના આ આરોપ બાદ રાજકીય તાપમાન વધી શકે છે. 2004થી ગઢ જાળવી રાખ્યા બાદ ઓવૈસી  હૈદરાબાદના વર્તમાન સાંસદ છે. તેમના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી 1984 થી 2004 સુધી છ ટર્મ માટે શહેરના સંસદસભ્ય હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. બીજી તરફ અવૈસીએ પણ વિવિધ રાજ્યોની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતાર્યાં હતા. જેથી મુસ્લિમ તુટતા કોંગ્રેસને નુકશાન થયાનું મનાઈ રહ્યું છે. અવૈસીની પાર્ટી ભાજપની બી પાર્ટી હોવાનો અગાઉ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.