અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ કોરોનાના ગંભીર દર્દીઓને અપાતા રેમડેસિવીર ઈન્જેક્શનના મુદ્દે પણ રાજકારણ ખેલાય રહ્યુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી પાટિલે સુરતમાં પોકાના કાર્યાલય પર જરૂરિયાતમંદ દર્દીઓને 5000 જેટલા રેમડેસિવીર ઈન્જેક્શનનું વિતરણ કરતા કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જરૂરિયાતમંદ દર્દીઓના સગાઓને રેમડેસિવીર ઈન્જેક્શન મળતા નથી. અને ના છૂટકે કાળાબજારમાં ખરીદવા પડે છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાસે ઈન્જેક્શનનો આટલો જથ્થો ક્યાંથી આવ્યો. બીજીબાજુ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના મત વિસ્તારના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શનની માગ કરી છે
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ચારેય તરફ કોરોનામાં રાહત આપનારા રેમડેસિવીર ઈન્જેકશનની કમી છે ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સુરત માટે રરેમડેસિવીરના 5000 ઈન્જેકશન લાવ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. હવે ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિત અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પત્ર લખી પોતાના મત વિસ્તાર માટે ઈન્જેકશન આપવા વિનંતી કરી છે અને તેના માટે ફી ચૂકવવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ ધારાસભ્યોએ લખ્યું હતું કે, જે રીતે ભાજપ પ્રમુખ સી.આર.પાટિલને વ્યવસ્થા કરી આપી, તેવી વ્યવસ્થા અમને પણ કરી આપો. ધારાસભ્યોએ પત્રમાં લખ્યું છે કે, અમારા મત વિસ્તારમાં કોરોનાના દર્દીઓ તેમજ તેઓના સ્વજનો દ્વારા અમારી પાસે રેમડેસિવીર ઈન્જેકશનની માંગણી કરે છે. કોરોના સંક્રમણ વધતાં સ્થાનિક હોસ્પિટલોમાં વેઈટિંગ છે. રેમડેસિવીર ઈન્જેકશનની ભયંકર અછત છે. તેથી તેમના મત વિસ્તારના શહેર તેમજ જિલ્લાની જનતા ઈજેક્શન માગવા માટે આવે છે. આથી અમે તાત્કાલિક રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો આપવા માટે વિનંતી કરીએ છીએ. આ ઈન્જેક્શનના જથ્થા મુજબ જે ફી આપવાની થતી હોય તે ચૂકવવા અમે તૈયાર છીએ તેવું ધારાસભ્યઓએ પત્રમાં લખ્યું છે.