સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું ?
અમદાવાદઃ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કરમા પરજય બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. એટલું જ નહીં કોંગ્રેસના સિનિયર નેતાઓ ગણાતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનોના ગઢમાં પણ કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. હાઈકમાન્ડ દ્વારા બંનેના રાજીનામા સ્વિકારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માર્ચ મહિનાના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ રાજીનામું આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છ કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે 576 બેઠકો પૈકી કોંગ્રેસને 49 જેટલી જ બેઠકો મળી હતી. આવી જ રીતે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. બીજી તરફ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને પાલિકાઓમાં કોંગ્રેસ મતદારોને રિઝવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમજ અનેક જિલ્લા પંચાયત,, તાલુકા પંચાયત અને પાલિકામાંથી સત્તા ગુમાવી છે. સવારથી જ ભાજપ તરફી પરિણામ સામે આવતા અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર એકપણ કાર્યકર્તા કે નેતાઓ જોવા મળતા નથી. કાર્યાલય એકદમ સુમસામ બની ગયું હતું. દરમિયાન આ ચૂંટણીમાં પરાજયની જવાબદારી લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી સાથે જ અસંતોષ સામે આવ્યો હતો. તેમજ અનેક ઉમેદવારોએ ફોર્મ પણ પરત ખેંચી લીધા હતા. આ મુદ્દે પણ હાઈકમાન્ડ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.