કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે સુરેન્દ્રનગર, જુનાગઢ, અને વડોદરા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ભાજપએ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ કોંગ્રેસમાં સાત ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા. જેમાં ગુરૂવારે મોડી સાંજે કોંગ્રેસ વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠક પર ઋત્વિક મકવાણા, જુનાગઢની બેઠક માટે હિરાભાઈ જોટવા, તેમજ વડોદરાથી જસપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે.
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે જે વધુ ત્રણ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠકમાં જાહેર કરાયેલા ઉમેદવાર ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ બેઠક માટે જાહેર કરાયેલા હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણી કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો. આ ઉપરાંત વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પાદરા સીટ પર તેમનો ભાજપ સામે 6,178 મતથી હાર થઈ હતી.
અગાઉ કોંગ્રેસમાંથી કુલ 7 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં બાકી હતા. જેમાંથી ત્રણ બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજી નવસારી, રાજકોટ, મહેસાણા અને અમદાવાદ પૂર્વના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેના મામલે હજી વિચારણા ચાલી રહી છે. જ્યારે વિધાનસભાની 5 જેટલી બેઠકોની પેટા ચૂંટણી માટે પણ કોંગ્રસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરેલાને ભાજપએ વિધાનસભા પેટા ચૂંટણીની ટિકિટ આપી છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ હવે કોંગ્રેસે ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.