નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારોની ત્રીજી યાદી ગુરૂવારે રાતે જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના 11 ઉમોદવારોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદીમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે ત્રીજી યાદીમાં નવ નામોની જાહેરાત કરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં તમિલનાડુ રાજ્યની લોકસભા બેઠકો માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ ગુરૂવારે 57 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેની ઠુમ્મર, જામનગરથી જે.પી. મારવિયા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, દાહોદથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામ જાહેરાત કરી છે. હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલન ટિકિટ આપવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હવે અમદાવાદની પૂર્વની બેઠક માટે મંથન ચાલી રહ્યું છે.
એઆઈસીસી દ્વારા લોકસભાની ચૂંટણી માટે ત્રણેય લિસ્ટ સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં 138 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યાદીમાં પશ્ચિમ બંગાળના બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને મહારાષ્ટ્રના નાંદેડના વસંત રાવ ચવ્હાણના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં સીકરની સીટ સીપીઆઈ-એમ માટે છોડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પહેલા તબક્કાના મતદાનની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂને છેલ્લાં તબક્કાનું મતદાન થશે.