અમદાવાદઃ મુલાસણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતની 60 લાખ ચોમીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાડમાં સરકારે અધિકારીઓને જેલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે. આથી જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે માટે મુલાસણા ગામના ખેડૂતો લડત આપી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્ત પરિવારો અને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાત માહિતી મેળવી હતી. એજ પ્રમાણે ઓલમ્પિક વિલેજના નામે કોઈપણ જાતના જમીન સંપાદન અધિનિયમ વિના ગોધાવી તથા મણીપુરની જમીન ગુમાવેલા ખેડૂતોની અને તેમના પરિવારની પણ વ્યથા સાંભળી હતી અને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે, ઉઘાડી લૂંટ ચાલી રહી છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, મુખ્યમંત્રી કાર્યાલયથી શરુ કરી નીચેના અધિકારીઓ સુધીના લોકોની સંડોવણીથી આજે મુલસાણા હોય કે આજુબાજુના દસ ગામની ચાર ચાર પેઢીઓથી જેઓ ખેતી કરતા હતા, તેમનું ગુજરાન ચાલતું હતું, તેવી ગાયો માટેની જમીન આ આંખલાઓ આજે ચરી રહ્યાં છે, મુલસાણા આસપાસની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ 2૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમતી જમીન તમામ કાયદા, નીતિ, નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદુકવાળા લોકો,પોલીસ,પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહિ, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે. વિજયભાઈ રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યાં. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે એગ્રિકલ્ચર ઝોન હતો, ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી તેના તપાસ રિપોર્ટ આવ્યા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી તેમ છતાં પણ જમીનોને એગ્રિકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારે કર્યું છે. આખા મુલાસણા પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિએ નહિ લાવે, ગણોતિયાઓને હક નહિ આપે તો આવનારા થોડા દિવસોની અંદર આ જ ગામના ખેડૂતોને સાથે રાખી “ગાય બચાવો, ગૌચર બચાવો”, “ખેડૂતોને તેમનો હક અધિકાર આપો” નારા સાથે તમામ ખેડૂત પરિવારો તેના ઢોર ઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચી ન્યાય માંગશે.