સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસે ચૂંટણીમાં દાવેદારી કરનારા પાસેથી બાંહ્યધરી લેવાની પ્રક્રિયા શરૂ કરી
અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભૂતકાળના કળવા અનુભવોને કારણે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી કોંગ્રેસે બાંહ્યધરી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાર્ટી ટિકીટ આપે અને ઉમેદવાર જીતે તો કાયમ માટે તે કોંગ્રેસમાં જ રહેશે, તેણે પાર્ટી છોડવાની નથી તેવા પ્રકારનું વચન ઉમેદવારે આપવાનું રહેશે અને તો જ તેને ટિકીટ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. જે કાર્યકરો ઉમેદવાર બનવા માગે છે તેઓએ આ વખતે ફોર્મ ભરતી વખતે બાંહ્યધરી આપવી પડશે. આ જોગવાઇ ફરજીયાત બનાવવામાં આવી છે. દરમિયાન પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું કે ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારો પાસેથી બાંહ્યધરી નહીં ડિપોઝીટ લેવી જોઇએ. જો કોંગ્રેસ ટિકીટવાંછુંઓને તક આપે છે તો તેમની પાસેથી ડિપોઝીટ તરીકે પાર્ટી ફંડના નાણાં લેવા જોઇએ. તાલુકા પંચાયતમાં 10,000, જિલ્લા પંચાયતમાં 25000, નગરપાલિકામાં 50000 અને મહાનગરપાલિકામાં 1 લાખ રૂપિયા લેવા જોઇએ. જો ઉમેદવાર જીતી જાય તો તેને ડિપોઝીટ પાછી આપવામાં આવે અને હારી જાય તો પાર્ટી ફંડ તરીકે આ ડિપોઝીટ જમા લેવામાં આવે. જો આમ થશે તો ઇચ્છુક ઉમેદવારો આપોઆપ ઓછા થઇ જશે અને પાર્ટી આસાનીથી તેનો ઉમેદવાર મૂકી શકશે.