ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ સુધી હોબાળો કર્યો હતો. ત્યાર બાાદ પુંજા વંશને ગૃહમાંથી 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો ત્રીજો દિવસ આક્ર્મક રહ્યો હતો. આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ પ્રશ્નોનો જવાબ ન મળતો હોવાથી વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેઓ બેઠક છોડીને નીચે બેસી ગયા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દખલગીરી કરતા કહ્યુ હતુ કે, આવી દાદાગીરી નહિ ચાલે. આ મામલે કોંગ્રેસના ધરસભ્યોએ હોબાળો કર્યો હતો. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો.
ભાજપ મુખ્ય દંડક પંકજ દેસાઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી એ પોઇન્ટ ઓફ ઓર્ડરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, સરકાર બહુમતી ના બળે વિપક્ષને ટાર્ગેટ કરે છે તે યોગ્ય નથી. કોંગ્રેસના દંડક સીજે ચાવડાએ પણ પુંજા વંશના સસ્પેન્ડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કહેવાયુ કે, પુંજા વંશે માફી માંગી લીધી હોવાથી હવે ચર્ચાની જરૂર નથી. સરકારની આ માંગ યોગ્ય નથી. ગૃહમંત્રીએ સમગ્ર મામલે પોતાનો મત વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યુ કે, અમે કદાચ નવા સભ્યો હશું, અમે શીખવાની ભાવનાથી અહીં આવીએ છીએ. એમની ભાષા યોગ્ય નથી, અમે એમને સિનિયર માનીએ છીએ. મેં કોઈ પણ અશિસ્ત ભાષા કે ટિપ્પણી કરી નથી, તપાસી લેવામાં આવે.