નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. તારણોમાં ઈન્ડી ગઠબંધન અને એનડીએ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પ્રમોદ તિવારીએ કેન્દ્રમાં ઈન્ડિ ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો કર્યો છે. લોકસભાની ચૂંટણીના તારણો ઉપર હજુ સુધી કોઈ રાજકીય પક્ષના નેતાનું રિએક્શન આવ્યું નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા પ્રમોદ તિવારીએ ઈન્ડી ગઠબંધનની સરકારનો દાવો કર્યો છે. બીજી તરફ હાલના પરિણામોને પગલે ઈન્ડિ ગઠબંધનના નેતાઓમાં ખુશી ફેલાઈ છે.
રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, રાયબરેલી અને વાયનાડમાંથી રાહુલ ગાંધીની જીત નજીક હતી. અમેઠી બેઠક ઉપર કોંગ્રેસની જીત નક્કી હતી. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનાનીમાં ઈન્ડી ગઠબંધનની સરકાર બનશે તેવો દાવો કોંગ્રેસના નેતાએ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિ ગઠબંધન 295થી 305 બેઠકો ઉપર જીત મેળવી રહી છે. બીજી તરફ લોકસભા ચૂંટણીના તારણો વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને સંસ્થાઓએ તૈયાર કરેલા એક્ઝિટ પોલ જાહેર કર્યાં હતા. જેમાં એનડીએને સ્પષ્ટ બહુમતીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ શનિવારે જ ઈન્ડિ ગઠબંધનના નેતાઓની એક બેઠક મળી હતી. જે બાદ કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનનો 295 બેઠકો ઉપર વિજ્ય થશે. તેમજ એક્ઝિટ પોલના દાવાને ફગાવ્યો હતો. હાલના તારણો પરથી ઈન્ડિ ગઠબંધનનો વિશ્વાસ સાચો સાબિત થઈ રહ્યો છે.