Site icon Revoi.in

કોંગ્રેસના કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ડો.જોશીયારાને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ લઈ જવાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ વખતે કોરોનાના ત્રીજા વેવમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો પણ સંક્રમિત થયા હતા.જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થતાં છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી.પણ તબીયતમાં સુધારો ન થતાં પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરવામાં આવશે.

​​​સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તમામ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો કોરોનાની સારવાર લીધા બાદ કોરોનાથી મુક્ત થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાની તબીયતમાં કોઈ સુધારો ન થતા તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સમાં ચેન્નઈ ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ડૉ.અનિલ જોશીયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995 થી 1997 સુધી આરોગ્ય મંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998 થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો, ત્યાર બાદ આવેલી 2002, 2007,2012, 2017ની વિધાનસ ભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.