અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપ હસ્તક છે. ઘણીબધી જિલ્લા પંચાયતોની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો 15માં નાણા પંચની મળતી ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં ઉપયોગ થાય તે માટે આગ્રહી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટના 20થી 25 કરોડની રકમનો ઉપયોગ એક સાથે થાય તે માટે સત્તાપક્ષ ભાજપે આગ્રહ રાખતા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી માત્ર 5-5 લાખના કામો ફાળવવાનો આગ્રહ રાખ્યો છે. જો કે જિલ્લા પંચાયતના અધિકારીઓએ એક સાથે વધુ કિંમતના કામો રજૂ કરવા સૂચનો કર્યા હતા. જેનો સદસ્યોએ વિરોધ કર્યો છે. આ વિવાદ વચ્ચે વિપક્ષ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના સદસ્યોને માત્ર મોટા કામોમાં કેમ રસ છે. તે સમજાતુ નથી.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં 15મી નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે સભ્યો વચ્ચે જ વિવાદ ચાલી રહ્યો છે. અગાઉના ડીડીઓ સાથે પણ ગ્રાન્ટને લઇને વિવાદ ચાલતો હતો. હવે નવા ડીડીઓ આવ્યા પછી વિવાદ ઉકેલાતો નથી. ભાજપના કેટલાક સદસ્યોને વિકાસના કામો કરતા અંગત રીતે ગ્રાન્ટ મેળવવામાં વધુ રસ છે. તેવો આક્ષેપ કોંગ્રેસના સદસ્યોએ કરતા કહ્યું કે, જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં સર્વે કરાવવો જોઇએ અને તે પ્રમાણે જ કામો હાથ ધરવા જોઇએ. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે, એક સાથે 20થી 25 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરાવવાની દરખાસ્ત આવે તો તેમાં ખાયકીની શક્યતા વધી જાય છે. ભાજપના સદસ્યોએ જણાવ્યું હતું કે, તાલુકાઓના ઘણાં ગામડાંમાં વિકાસના કામો પહોંચ્યા નથી. લોકસભાની ચૂંટણી પહેલા ડ્રેનેજ, પાણી સહિત સ્ટ્રીટ લાઇટ, સ્કૂલના ઓરડાં, હેલ્થ સેન્ટર, આંગણવાડી અને તળાવના વિકાસ જેવા કામો પૂરા થઇ જાય.