અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે 10 થી વધારે જિલ્લાઓમાં કરા સાથે માવઠા પડ્યુ છે. માવઠાથી રવિપાકને નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો પહેલેથી જ મંદી અને મોંઘવારી સામે જજુમી રહ્યા છે સાથે તેમના વાવેલા પાકના પૂરતા એમએસપી પ્રમાણે રૂપિયા પણ મળતા નથી. જુના પાક વિમાના પાકેલા નાણાં મેળવવા જગતનો તાંત વલખા મારી રહ્યો છે ત્યારે આવા સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી છે. ત્યારે રાજ્ય સરકારે નુકશાનીનો સર્વે કરાવીને તાકીદે ખેડુતોને વળતર ચુકવવું જોઈએ. તેમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે રાજ્ય સરકાર પાસે માગણી કરતા વધુમાં જણાવ્યું હતું કે કૃષિ નિષ્ણાતો અનુસાર રાજ્યમાં શનિવારે મોટાભાગના સ્થળોએ પાંચ મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો છે, અને હવામાન વિભાગ દ્વારા વધુ માવઠાની આગાહી કરવામાં આવી છે.એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડે તો રવિ પાક સહિત બટાકા, ચણા, જીરું, તમાકુ, વરિયાળી, ઘઉં અને શાકભાજીના પાકોમાં મોટાપાયે નુક્સાન થવાની ભીતિ રહે છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવું જોઈએ. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં બરફના કરા પડતા કૃષિપાકને નુકશાન થયાની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવવામાં આવે તે જરૂરી છે. કમોસમી વરસાદને લઈને કેટલાક વિસ્તારમાં ઘઉંનો ઊભો પાક નમી ગયો છે. તો બટાકા બહાર કાઢેલા હતા તેને પણ અસર થઇ છે.(FILE PHOTO)