Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનું સત્ર લંબાવવા વિપક્ષની માગ પણ સરકાર સહમત ન થઈઃ કોંગ્રેસ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટૂંકું સત્ર તા.27મી સપ્ટેમ્બરને સોમવારથી શરૂ થઈ રહ્‌યું છે. જે અન્‍વયે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું હતું. આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્‍યો સહિત આગ્રહપૂર્વક મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરી હતી કે, આ કપરા કાળમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર સહિતની વિવિધ વિકરાળ સમસ્‍યાઓની વિધાનસભા ગૃહમાં બૃહદ ચર્ચા થાય, લોકોની પીડા-વેદનાને વિપક્ષ વાચા આપી શકે અને સરકાર વિપક્ષના સૂચનોનું સકારાત્‍મક રીતે નિવારણ કરે તે માટે વિધાનસભાનું સત્ર એક અઠવાડીયા માટે લંબાવવું જોઈએ. બેઠકમાં થયેલી બૃહદ ચર્ચા, વિપક્ષની આગ્રહપૂર્વકની માંગણી પછી પણ સરકાર સત્ર લંબાવવાની વાત સાથે સહમત ન થઈ તેનું દુઃખ છે. અપેક્ષા રાખીએ કે  મુખ્‍યમંત્રી આ અંગે વિચારી, વિધાનસભાના 182 ધારાસભ્‍યો પોતાના વિસ્‍તારની પીડા-પ્રશ્નો-વેદનાને ખુલ્લા મને વાચા આપી શકે તે માટે વિધાનસભા ગૃહમાં પૂરતો સમય આપશે અને વિધાનસભાનું સત્ર પણ લંબાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે, નવા મુખ્‍યમંત્રી, નવી કેબિનેટ, નવી કામકાજ સલાહકાર સમિતિ ગુજરાતની ગૌરવવંતી સંસદીય પ્રણાલિકાઓને પુનઃસ્‍થાપિત કરે. કોરોના વોરીયર્સ સહિત કોરોનાના તમામ મૃતકોને સામુહિક શ્રદ્ધાંજલિ આપવા સભાગૃહ સમક્ષ ખાસ પ્રસ્‍તાવ લાવવા સરકારને વિનંતી કરી હતી સુપ્રીમ કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે અને કેન્‍દ્ર સરકારે પણ રૂપિયા 50 હજારની સીમિત સહાય માટે એફીડેવીટ પણ રજૂ કરી દીધી છે ત્‍યારે ગુજરાતમાં કોરોનાના કારણે પીડિત, કોરોનાથી શહીદ થયેલા કોરોના વોરીયર્સ અને ત્રણ લાખ કરતાં વધુ મૃતકોના પરિવારની પીડા હળવી કરવા માટે પૂરતા પ્રમાણમાં વળતર મળે તેવી માંગણી કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, નવી કેબિનેટે પહેલી જ બેઠકમાં અતિવૃષ્‍ટિના પીડિતોને વળતર વધારવા માટેનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પક્ષે મુખ્‍યમંત્રીને વિનંતી કરી છે કે, 100 વર્ષમાં સૌથી મોટી તબાહી મચાવનાર તૌકતે વાવાઝોડું હોય કે જામનગર, દેવભૂમિ-દ્વારકા કે રાજકોટમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્‍ટિ હોય, જેમાં મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍તો સહાયથી વંચિત છે ત્‍યારે સરકાર સત્‍વરે સર્વે અને રી-સર્વે કરે અને અસરગ્રસ્‍ત પરિવારો તથા જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં વળતર મળે તે માટે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે અવકાશ આપવો જોઈએ.

વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, વિધાનસભાના અધ્‍યક્ષ અને ઉપાધ્‍યક્ષની ચૂંટણી પણ જ્‍યારે નિશ્‍ચિત છે અને એજન્‍ડાનો હિસ્‍સો છે ત્‍યારે કોંગ્રેસ પક્ષે સરકારને વિનંતી કરી હતી કે, એક આદર્શ પરંપરાને પાળતા વિધાનસભાના અધ્‍યક્ષનો વિપક્ષે હંમેશા સર્વાનુમતે સ્‍વીકાર કર્યો છે. આજે પણ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે જે નામ સૂચવ્‍યું છે તેને વિપક્ષ તરીકે અમે ટેકો આપ્‍યો છે