Site icon Revoi.in

નલ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ SIT દ્વારા કરાવવા કોંગ્રેસની માગણી

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના થયેલા કથિત કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર લોકો સામે પગલાં ભરવામાં આવે. તેમજ પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નલ સે જલ યોજનામાં અનેક જિલ્લા-તાલુકા-ગામોમાં માત્ર કાગળ પર કામગીરી થઈ છે. 33 જિલ્લામાંથી 18થી વધુ જિલ્લામાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઊઠવા છતાંયે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ માત્ર તપાસના નામે પત્ર-નોટીસ આપી કેન્દ્રાક્ટરને બચાવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ‘નળ સે જળ’ની મોટી મોટી જાહેરાતો થઇ, નબળી પાઈપો, બોરવેલ ફેલ, નબળી ગુણવત્તાના પેવર બ્લોક, ઇલેક્ટ્રીક કેબલમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. કનેક્શન વગરના પાઇપો ફિટ કર્યા અને ક્યાંક ચોકડી ના બનાવી, ક્યાંક પાણી ટાંકાના બનાવ્યા અને નળના જોડાણ ના અપાયા, હલકી ગુણવત્તાની પાઈપો, અનેક જગ્યાએ સીમેન્ટ ચોકડી ના બનાવી, ચકલી લગાવી તો પાણી ના આવ્યું, એક જ કામના બબ્બે બીલો મુકીને ભ્રષ્ટાચાર કરાયો,  આવા પ્રકારના ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે,

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાસ્મો ને “નલ સે જલ” ની કામગીરી સોંપવામાં આવી હતી. ભાજપના પદાધિકારીઓ સીધા કોન્ટ્રક્ટરો બની ગયા છે. ભાજપના મંત્રી અને સંત્રીઓ આવા ગેરરીતિ આચરનારાઓને બચાવવા માટે મેદાનમાં આવે તે કેટલે અંશે વ્યાજબી છે ? મહીસાગર જિલ્લામાં 111 કોન્ટ્રાકટર કામ ના કરવાની તાકીદથી નોટીસના નામે વાતો કરવામાં આવી. પંચમહાલ જિલ્લામાં બારોબાર પૈસાની ચુકવણી કરવામાં આવી. વડોદરા જિલ્લામાં 20 ટકા જ કામગીરી થઈ છે. બીજી બાજુ 60 ટકા નાણાંની ચુકવણી કરવામાં આવી. રાજકોટના જસદણના અનેક ગામો કામગીરી બાકી તેમ છતાં લાખો રૂપિયાની ચુકવણી કરવામાં આવી. સંતરામપુર-બોરવેલ ફેઈલ થઈ ગયા છે. તાલુકામાંથી ફરિયાદ છતાં પગલાં લેવાયા નહીં, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અનેક ગામમાં બોરવેલ ખરાબ, નર્મદા જિલ્લા તો રૂ. 1.42 કરોડ ચૂકવ્યા તેમ છતાં કામગીરી બાકી છે, આદિવાસી વિસ્તારોમાં નળ કનેક્શન માટે રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવણી પણ નળ કનેક્શન આપ્યા નથી, અને કરોડો રૂપિયાના બીલો પણ બની ગયા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભામાં ‘નલ સે જલ’ માં મોટાપાયે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી છે. ભાજપના સાંસદ-ધારાસભ્યોએ પણ ફરિયાદો કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, નર્મદા, વાસદા, નવસારી જિલ્લામાં 49 કરોડ બરોબર ચૂકવાઈ ગયા હોવાની વિગતો સામે આવી છતા પાણી પુરવઠા વિભાગ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યો છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટરો ભાજપાના પદાધિકારીઓ કે તેની સાથે સંકળાયેલા છે. નળ સે જળ માટે ના કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા,વાંસદામાં 49 કરોડમાં ચેકીંગ કર્યા વગર જ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની માગ છે કે નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દેવું જોઈએ.