1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં 15 પૂર્વ મંત્રીઓને નજીવા ભાડે અપાયેલા સરકારી બંગલા ખાલી કરાવવા કોંગ્રેસે કરી માગ
ગાંધીનગરમાં 15 પૂર્વ મંત્રીઓને નજીવા ભાડે અપાયેલા સરકારી બંગલા ખાલી કરાવવા કોંગ્રેસે કરી માગ

ગાંધીનગરમાં 15 પૂર્વ મંત્રીઓને નજીવા ભાડે અપાયેલા સરકારી બંગલા ખાલી કરાવવા કોંગ્રેસે કરી માગ

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની અપુરતી સંખ્યાથી અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે બીજીબાજુ ભાજપની વિજય રૂપાણી સરકારના 15 પૂર્વ મંત્રીઓને 4800 રૂપિયા જેટલા નજીવા ભાડે સરકારી બંગલા ફાળવી દેવામાં આવ્યાં છે. પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે.  ત્યારે 15 પૂર્વ મંત્રીઓ પાસેથી બંગલા પરત લેવાની કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં એક પણ પૂર્વ મંત્રીના સંતાન અભ્યાસ કરતા નથી. વિજય રૂપાણી સરકારમાંથી પડતા મુકાયેલા પૂર્વ મંત્રીઓને આ બંગલા ફાળવવામાં આવ્યાં છે. સરકાર પૂર્વ મંત્રીઓ પાસેથી સરકારી બંગલા પાછા મેળવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર,પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા લેવા માગણી કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ દ્વાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને પૂર્વમંત્રીઓ પાસેથી બંગલા ખાલી કરાવવા રજુઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગે 31 મે 2015ના ઠરાવ મુજબ આ બંગલાઓનું બજાર ભાડુ 42 હજાર નક્કી કરવામાં આવ્યું હોવા છતાં સરકાર દ્વારા પૂર્વમંત્રીઓ પાસેથી આલીશાન બંગલાનું ભાડુ માત્ર રૂપિયા 4800 લેવામાં આવે છે. પ્રજાની તિજોરીનો વ્યય કરીને પૂર્વ મંત્રીઓ આલીશાન બંગલામાં જલસા કરી રહ્યાં છે. કેમ કે આ મંત્રીઓને મંત્રીપદેથી હટાવ્યા બાદ સદસ્ય નિવાસમાં રહીને પ્રજાની સેવા કરી શકતા નથી. જાહોજલાલી ભોગવેલા મંત્રીઓને ક્વાટર્સમાં ફાવતું નથી. તે ઉપરાંત પૂર્વ મંત્રીઓને મંત્રી કક્ષાની સિક્યુરિટી પણ હાલમાં ચાલુ રાખવામાં આવી છે.

ગુજરાતમાં શાંતિ અને સલામતિ છે તેવું ભાજપ અને સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે તો પૂર્વ મંત્રીઓને સિક્યુરિટીની જરૂર કેમ રહે છે. રાજ્યમાં હજારો સરકારી કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે. મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી. સરકારી આવાસ ન મળવાને કારણે ફિક્સ પગારના કર્મચારીઓ પગાર જેટલું ભાડુ ભરવા મજબૂર બને છે. ગરીબોને રહેવા માટે પૂરતા આવાસ બનાવવામાં આવતાં નથી. ત્યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તરત આવાસ મળે તેવી વ્યવસ્થા અને ચિંતા સરકારે કરવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code