અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે, કોંગ્રસમાં કેન્દ્રિય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિમણૂંક કરવામાં આવી છે. ગેહલોત ગુરૂવારે અમદાવાદની મુલાકાતે આવશે, અને કોગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત આગામી ગુરૂવારે અમદાવાદ આવશે. અશોક ગેહલોત અગાઉ તા. 20 જુલાઈના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાના હતાં પરંતુ કોઈ કારણોસર તેમનો પ્રવાસ મુલતવી રખાયો હતો. જેથી હવે તેઓ 4 ઓગસ્ટને ગુરૂવારે અમદાવાદ આવીને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક યોજશે. વિધાનસભાની ચૂંટણી અગાઉની રણનીતિ નક્કી કરવા માટે ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે મિશન 125ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરાશે અને સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે.
સૂત્રએ ઉમેર્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી અને સહ પ્રભારીના નેતૃત્વમાં ઓબીસી, એસટી, એસસી અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આ સમામજમાં વધુ મતદાન થાય અને કોંગ્રેસ તરફ મતદાન થાય તેવા પ્રયાસો માટે રણનીતિ ઘડાઈ હતી. આ સમાજના અગ્રણી નેતાઓને બુથ કક્ષાની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત કોંગ્રેસ સંગઠનના અનેક માળખા અને હોદ્દા હજુ પણ એવા છે કે જેના માટે યોગ્ય પસંદગી કરવાની બાકી છે ત્યારે આ બેઠકની અંદર રાજ્યમાં સંગઠનના બાકી માળખા અંગે ચર્ચા કરી નિયુક્તિઓ કરવા માટેની મહોર પણ મારવામાં આવશે. કોંગ્રેસમાં જિલ્લા સ્તરે તેમજ તાલુકા સ્તરે સંગઠનની થઈ રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવશે. તાલુકા અને જિલ્લા સ્તરેથી પણ કામગીરી અંગેનો ફીડ બેક લેવાની કવાયત ગેહલોતની મુલાકાત દરમિયાન હાથ ધરાશે.