કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી
નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે.
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં નિરીક્ષકની મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા મહારાષ્ટ્રના કોંકણ, વિદર્ભ (અમરાવતી અને નાગપુર), મરાઠાવાડા, વેસ્ટર્ન મહારાષ્ટ્ર, નોર્થ મહારાષ્ટ્ર માટે સિનિયર નિરીક્ષકની નિમણુંક કરી છે. મુંબઈ અને કોંકરની અશોક ગહેલોત અને જી પરમેશ્વર, મરાઠાવાડાની સચિન પાયલોટ અને ઉત્તમ રેડ્ડી, વિદર્ભની ભૂપેશ બધેલ, ચરણજીત સિંહ ચન્ની, ઉમંગ સિંધાર, પશ્ચિમ મહારાષ્ટ્રની ટીએસ સિંહ દેવ, એમબી પાટીલ તથા ઉત્તર મહારાષ્ટ્રની નાસિર હુસૈન અને અનસુયા સીતાક્કાને જવાબદારી સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એક જ તબક્કામા 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે મળીને ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ ભાજપા પણ એનસીપી (અજીત પવાર) અને શિવસેના (એકનાથ શિંદે) જૂથ સાથે મળીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 9.63 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 4.97 કરોડ પુરુ અને 4.66 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 20.93 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. મહારાષ્ટ્રમાં 1,00,186 મતદાન કેન્દ્રોમાં મતદાન યોજાશે. આ વખતે પીડબલ્યુડી અને મહિલાઓ દ્વારા સંચાલિત બુથ બનાવાશે.