નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા માટે જોરદાર પ્રચાર અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “હમણાં જ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે કારણ કે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં દરેકની પ્રોપર્ટીનો સર્વે કરવાનું કહ્યું છે. કોંગ્રેસ દેશભરમાં મઠો, મંદિરો અને અન્ય સંપત્તિઓ પર નજર રાખી રહી છે. આ પૈસા ક્યાં જવાના છે? આ માટે મનમોહન સિંહનું એ નિવેદન યાદ રાખો જેમાં તેમણે કહ્યું હતું કે ‘દેશના સંસાધન પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે, આદિવાસીઓ, દલિતોનો નહીં…’
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે કલમ 370 હટાવી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે જી કહે છે કે છત્તીસગઢને જમ્મુ-કાશ્મીર સાથે શું લેવાદેવા છે. ખડગે જી, તમારી અને રાહુલ બાબાની વિચારસરણી ભલે ગમે તે હોય, પરંતુ છત્તીસગઢનું દરેક બાળક કાશ્મીર માટે પોતાનો જીવ આપવા તૈયાર છે.
અમિત શાહે કહ્યું, પીએમ મોદીએ આ દેશમાંથી આતંકવાદ ખતમ કરી દીધો છે અને નક્સલવાદ ખતમ થવાના આરે છે. છત્તીસગઢમાં 5 વર્ષ સુધી ભૂપેશ બઘેલની સરકાર હતી, નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી. તમે અમારા પર દયા કરી અને વિષ્ણુદેવજીને મુખ્યમંત્રી બનાવ્યા અને 4 મહિનામાં 90થી વધુ નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો, 123 લોકોની ધરપકડ કરવામાં આવી, 250 લોકોએ આત્મસમર્પણ કર્યું છે.
અમિત શાહે કહ્યું, મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં મોટા ફેરફારો કર્યા છે. મોદીજી એવા વડાપ્રધાન છે જેમનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને આવનારા 25 વર્ષનો એજન્ડા પણ છે. કોંગ્રેસની 4 પેઢીઓએ દેશમાં શાસન કર્યું, પરંતુ કોંગ્રેસે છત્તીસગઢ માટે શું કર્યું? અમિત શાહે કહ્યું, પીએમ મોદીએ દેશના 60 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપી છે. હવે ભવિષ્યમાં મોદીજીની ગેરંટી છે કે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પણ આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવશે.