મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા.
ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે નવરાત્રિ દરમિયાન, મને મંદિરમાં માતા જગદંબાના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિની પણ મુલાકાત લીધી છે અને તેમના આશીર્વાદ લીધા છે. હું મારું માથું નમાવીને આ બે મહાન સંતોને નમસ્કાર કરું છું. આજે મહાન યોદ્ધા અને ગોંડવાનાની રાણી દુર્ગાવતીની જન્મજયંતિ પણ છે. ગયા વર્ષે દેશે તેની 500મી જન્મજયંતિ ઉજવી, હું પણ રાણી દુર્ગાવતીને મારી શ્રદ્ધાંજલિ આપું છું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, નવરાત્રિના પવિત્ર સમય દરમિયાન મને પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો રિલીઝ કરવાની તક મળી છે. આજે દેશના 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની ડબલ એન્જિન સરકાર મહારાષ્ટ્રના ખેડૂતોને ડબલ લાભ આપી રહી છે. નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના હેઠળ મહારાષ્ટ્રના 90 લાખથી વધુ ખેડૂતોને લગભગ 1900 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, આઝાદી પછી બંજારા સમુદાયનું નામ અને ગૌરવ પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ભારત સરકારની હતી. જો કે, કોંગ્રેસ સરકારોએ બંજારા સમુદાયને મુખ્ય પ્રવાહના સમુદાયોથી અલગ કરી દીધો હતો. કોંગ્રેસની વિચારસરણી શરૂઆતથી જ વિદેશી રહી છે. બ્રિટિશ શાસનની જેમ આ કોંગ્રેસી પરિવારો પણ દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથી. તેઓને લાગે છે કે ભારતમાં માત્ર એક જ પરિવારનું શાસન હોવું જોઈએ. તેથી, તેઓ હંમેશા બંજારા સમુદાય પ્રત્યે અપમાનજનક વલણ જાળવી રાખતા હતા.